Nigel Farage

બ્રિટનના રાજકારણમાં કાઠુ કાઢી રહેલ નવી નક્કોર પાર્ટી રિફોર્મ યુકે ઈમિગ્રેશનથી લઈને ઇન્હેરિટન્સ ટેક્સ સુધી દેશના ભવિષ્ય વિશે ‘અઘરા નિર્ણયો’ લેવા માંગે છે. પાર્ટીના નેતા નાઇજેલ ફરાજે કહ્યું છે કે 2024 સામાન્ય ચૂંટણી “ઇમિગ્રેશન ચૂંટણી હોવી જોઈએ. મેં ગુર્નોસ, મેર્થીર ટાયડફિલ ખાતે જે દસ્તાવેજનું અનાવરણ કર્યું હતું, તે મેનિફેસ્ટો ન હતો પરંતુ એક કરાર હતો.”

ફરાજે કહ્યું કે તેઓ બિન-આવશ્યક ઇમિગ્રેશનને “સ્થિર” જોવા માંગે છે, જે NHS વેઇટીંગ લીસ્ટ અને હાઉસિંગ કટોકટી માટે જવાબદાર છે. પરંતુ અન્ય પક્ષો “તેની ચર્ચા નહીં કરે”.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’બ્રિટન તૂટી ગયું છે અને સાંસ્કૃતિક રીતે અધોગતિમાં છે. ઇમિગ્રેશન બંધ કરવાથી મદદ મળશે. અમે આ ચૂંટણીમાં સરકાર બનાવવાનું લક્ષ્ય રાખતા નથી, પરંતુ તેના બદલે 2029ની સંભવિત જીત તરફ કામ કરીએ છીએ. અમારી મહત્વાકાંક્ષા સંસદમાં બ્રિજહેડ સ્થાપિત કરવાની છે, અને લેબર સરકારના વાસ્તવિક વિરોધ પક્ષ બનવાની છે. અમે લોકોનું એક મોટું, વાસ્તવિક જન આંદોલન બનાવવા માંગીએ છીએ. અમને એક સારા, મજબૂત વિરોધની જરૂર છે જે લોકોને ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત કરી શકે”.

રિફોર્મ યુકેના મેનિફેસ્ટોમાં અપાયેલા પાંચ મુખ્ય વચનોમાં “બિન-આવશ્યક” ઇમિગ્રેશન પર સ્થિરતા, નાની હોડીઓમાં ચેનલ ક્રોસ કરતા લોકોનો દેશનિકાલ, ડોકટરો અને નર્સોને ટેક્સમાં છૂટ આપવાથી NHS વેઇટિંગ લિસ્ટ “શૂન્ય” થશે. આવકવેરા થ્રેશોલ્ડને £12,570થી વધારીને £20,000 કરવા માંગે છે. તેઓ દરેક વિદેશી કર્મચારી માટે 20 ટકાના નેશનલ ઇન્સ્યોરંશ ચૂકવવા માટે એમ્પ્લોયરને મજબૂર કરવા માંગે છે. તેઓ રિફોર્મ નેટ ઝીરો લક્ષ્યોને પણ સ્ક્રેપ કરવા અને માનવ અધિકાર પરના યુરોપિયન કન્વેન્શન છોડવા માંગે છે. તેઓ કરમાં દર વર્ષે લગભગ £90 બિલીયનનો ઘટાડો અને દર વર્ષે ખર્ચમાં લગભગ £50 બિલીયનનો વધારો કરવા માંગે છે.

LEAVE A REPLY