યુદ્ધગ્રસ્ત લોકોની મદદ માટે વિશ્વભરમાં પ્રખ્યાત ઇન્ટરનેશનલ કમિટી ઓફ રેડ ક્રોસ (ICRC) પર હેકર્સ ત્રાટક્યા હતા અને સર્વરમાં ગાબડુ પાડીને આશરે 5 લાખ લોકોના વ્યક્તિગત અને ગોપનીય ડેટાની તફડંચી કરી હતી.
જિનિવા સ્થિત આ એજન્સીએ બુધવારે જણાવ્યું હતું કે આ સપ્તાહે અજાણ્યા હેકર્સ ત્રાટક્યા હતા અને આશરે 5.15 લાખ લોકોના ડેટા ચોરી ગયા હતા. આવા લોકોમાં સંઘર્ષ, સ્થળાંતર અને આપત્તિથી પોતાના પરિવારોથી અલગ થયેલા લોકો, ગુમ થયેલા લોકો અને તેમના પરિવારો અને અટકાયતમાં રહેલા લોકોનો સમાવેશ થાય છે. વિશ્વભરમાં ઓછામાં ઓછા 60 રેડ ક્રોસ અને રેડ ક્રેસેન્ટ ચેપ્ટર્સથી ડેટા ચોરીની માહિતી મળી છે.
રેડ ક્રોસના ડિરેક્ટર-જનરલ રોબર્ટ મર્ડિનીએ જણાવ્યું હતું કે “ગુમશુદ્ધા લોકોના ડેટા પર એટેકથી તેમના પરિવારોનું દુઃખ અને દર્દ અસહ્ય બને છે. અમને તમામને આંચકો લાગ્યો છે કે આ માનવતાવાદી માહિતી પર પણ સાઇબર એટેક થયો છે.’’
ICRCએ જણાવ્યું હતું કે આ માનવતાવાદી એજન્સી માટે સ્વિત્ઝર્લેન્ડ ખાતેના એક કોન્ટ્રાક્ટર ડેટા સ્ટોર કરે છે અને આ કોન્ટ્રાક્ટરના સર્વર પર એટેક થયો હતો. માહિતી જાહેર કરવામાં આવી હોય અથવા લીક થઈ હોય તેવા કોઇ સંકેત નથી.