ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી હીટવેવની અસરને કારણે કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે શુક્રવારે અમદાવાદમાં આગામી બે દિવસ ગરમીનો રેડ એલર્ટ જારી કર્યો છે, જ્યારે ગાંધીનગર, ખેડા તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગરમાં જિલ્લા માટે યલો એલર્ટ આપ્યો છે. ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી તેવી શક્યતા છે. હવામાન વિભાગે લોકોને જરૂરી સિવાયના કામો માટે બહાર ન જવાની પણ સલાહ આપી હતી.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 30 એપ્રિલ અને 1 મેના રોજ પારો 45 ડિગ્રીએ પહોંચશે. ત્યારબાદ 2 અને 3 મેના રોજ ક્રમશ 44 અને 43 ડિગ્રી અને 4 મેના રોજ ગરમીમાં આશિંક ઘટાડા સાથે પારો 42 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે. આ દરમિયાન લઘુત્તમ તાપમાન 26થી 27 ડિગ્રી વચ્ચે રહેશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકે મીડિયાને જણાવ્યું કે, માત્ર અમદાવાદ શહેર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. જ્યારે ગાંધીનગર, ખેડા તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગરમાં જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એપ્રિલમાં અતિશય ગરમી પાછળનું કારણ શું છે તેના જવાબમાં વૈજ્ઞાનિકે જણાવ્યું કે, વિંડ પેટર્ન ચેન્જ થવાને કારણે ગરમીમાં વધારો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બુધવારની સરખામણીએ ગુરુવારે રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં વધારો થયો હતો. અમદાવાદ અને ગાંધીનગરનું ઉષ્ણાતામાન સિઝનમાં પહેલીવાર અનુક્રમે 44.4 અને 44 ડિગ્રીએ પહોંચી જતાં લોકો કાતિલ ગરમીનો અહેસાસ કર્યો હતો. 45 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી હોટ સ્પોટ બન્યું હતું. ત્યારે હજી બે દિવસ અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ભાગો હીટવેવી આગાહી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, 20 એપ્રિલ 2016ના રોજ અમદાવાદમાં 48 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. ગુરુવારે રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 43 ડિગ્રી આસપાસ રહ્યું હતું અને અમદાવાદમાં તો જાણે અગનવર્ષા થઈ રહી હોય તેમ લાગતું હતું. જેને કારણે કાળઝાળ ગરમીથી બચવા લોકોએ ઘરમાં જ પૂરાઈને રહેવાનું પસંદ કર્યું હતું. બીજી તરફ ગરમીને કારણે છેલ્લા બે દિવસથી હીટ સ્ટ્રોક, લૂ લાગવાના અને ડિહાઈડ્રેશન સહિતની બીમારીઓના કિસ્સામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તબીબોએ ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને અન્ય કોઈ બીમારીથી પીડિત હોય તેવા લોકોએ બહાર નીકળવાનું ટાળવાની અને શરીરમાં પાણીની માત્રા જળવાય રહે તે માટે પૂરતું પ્રવાહી લેવાની સલાહ આપી છે.