ભારતના ચૂંટણી પંચ દ્વારા વ્યાપક આયોજન, સમીક્ષાઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓની સક્રિય ભાગીદારીને કારણે ગુજરાત અને હિમાચલ પ્રદેશ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીઓમાં રેકોર્ડ જપ્તી થઈ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી, 2022ની તારીખોની જાહેરાતના પ્રસંગે, મુખ્ય ચૂંટણી કમિશનર, રાજીવકુમારે પ્રલોભન-મુક્ત ચૂંટણીઓ પર ભાર મૂક્યો અને હિમાચલ પ્રદેશમાં થયેલી નોંધપાત્ર માત્રામાં જપ્તીનો ઉલ્લેખ કર્યો. એક અભિયાન તરીકે, ગુજરાતમાં ચૂંટણીની જાહેરાતના થોડા જ દિવસોમાં રૂ. 71.88 કરોડની જપ્તી જોવા મળતાં પરિણામો પ્રોત્સાહક છે, જે વિધાનસભાની ચૂંટણીઓ, 2017માં આદર્શ આચાર સંહિતા લાગુ કરવાના સમગ્ર સમયગાળા દરમિયાન કરવામાં આવેલી જપ્તીને પણ વટાવી જાય છે, જે રૂ. 27.21 કરોડ હતી. તેવી જ રીતે, હિમાચલ પ્રદેશમાં પણ જપ્તી રૂ. 9.03 કરોડની સરખામણીએ રૂ. 50.28 કરોડની નોંધપાત્ર રકમ છે, જે પાંચ ગણાથી વધુ વધારો દર્શાવે છે. જોકે, ગુજરાતમાં ચૂંટણી જાહેર થયા પછીના આ શરૂઆતના દિવસો છે, તેમ છતાં પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિને કારણે આશરે રૂ. 3.86 કરોડની કિંમતનો 1,10,000 લિટર દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. DRI એ પણ 64 કરોડ રૂપિયાના રમકડાં અને એસેસરીઝની મોટા પાયે જપ્તી નોંધાવી હતી જે મિસ ડેક્લેરેશન દ્વારા અને મુન્દ્રા પોર્ટ પર આયાત કાર્ગોમાં છુપાવીને દાણચોરી કરવામાં આવી હતી. આ કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં મની પાવરને રોકવા માટે અસરકારક દેખરેખ માટે, ભારતના ચૂંટણી પંચે 69 ખર્ચ નિરીક્ષકો પણ તૈનાત કર્યા છે. આ મતવિસ્તારોમાં નજીકથી દેખરેખ રાખવા માટે 27 વિધાનસભા મતવિસ્તારોને ખર્ચ સંવેદનશીલ મતવિસ્તાર તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે.