ચીનમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે અને અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસો નોંધાયા છે. કોરોનાના કાબુમાં લેવા માટે અનેક શહેરોમાં કડક નિયંત્રણો લાગુ કરાયા છે. આઇફોન સિટી તરીકે ઓળખતા ઝેંગઝોઉ શહેરમાં ચાર દિવસનું આકરું લોકડાઉન લાદવામાં આવ્યું છે અને 66 લાખ લોકોને ચાર સુધી ઘરમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. શહેરમાં આઇફોનની સૌથી મોટી ફેક્ટરી આવેલી છે.
ચીનમાં ગુરુવારે 32,695 નવા કેસ નોંધાયા હતા, જે એક દિવસ અગાઉ 31,444 હતા. ગુઆંગઝુ અને દક્ષિણપશ્ચિમ ચોંગકિંગમાં મોટાપાયે કોવિડ કેસો નોંધાયા હતા. ચેંગડુ, જીનાન, લાન્ઝુ, ઝિયાન અને વુહાન જેવા શહેરોમાં દરરોજ સેંકડો નવા કેસ નોંધાય છે.
ન્યૂઝ એજન્સીના રીપોર્ટ મુજબ ઝેંગઝોઉ શહેરમાં દરરોજ માસ ટેસ્ટિંગનો આદેશ અપાયો છે. સિટી સરકારે વાઇરસને નાબૂદ કરવાની લડાઈ ચાલુ કરી છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા કેસની સંખ્યામાં 31,444નો વધારો થયો હતો. 2019ના અંતમાં મધ્ય ચીનના શહેર વુહાનમાં પ્રથમ વખત કોરોનાવાયરસની ફાટી નીકળ્યો ત્યારથી તે સૌથી વધુ દૈનિક આંકડો છે. જોકે હોસ્પિટલમાં દાખલ થવાના દર અને મૃત્યુનો દર નીચો છે. સરકાર “ઝીરો-કોવિડ” નીતિ માટે પ્રતિબદ્ધ છે જે વાયરસને સંપૂર્ણ દૂર કરવા દરેક દર્દીને અલગ કરવા માગે છે.
2020ની પ્રારંભથી વિરુદ્ધ આ વખતે સરકાર ફેક્ટરીઓ અને તેની બાકીની અર્થવ્યવસ્થાને બંધ કર્યા કોરોનાના નવા વેવનો સામનો કરવાનો પ્રયાસ કરી રહી છે. તેનાથી ઝેંગઝોઉમાં ફોક્સકોનના ઉત્પાદન પ્લાન્ટમાં હિંસક વિરોધ થયો હતો. કોરોના સખત નિયંત્રણોને કારણે આ પ્લાન્ટમાંથી 20,000 થી વધુ કામદારો ભાગી ગયા છે.
વાયરસના ફેલાવાને રોકવા માટે વિશ્વની સૌથી મોટી આઇફોન ફેક્ટરીની અંદર સખત પગલાં સામે કામદારો વિરોધ કરી રહ્યા છે. આ અઠવાડિયે ફેક્ટરીના કામદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ગુઆંગઝુ શહેરે બાયયુન ડિસ્ટ્રિક્ટમાં પ્રવેશ સ્થગિત કરી દીધો છે, જ્યારે બેઇજિંગના દક્ષિણ પશ્ચિમમાં આવેલા શહેર શિજિયાઝુઆંગના કેટલાક વિસ્તારોના રહેવાસીઓને સામૂહિક પરીક્ષણ હાથ ધરવામાં આવે ત્યાં સુધી ઘરમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ શહેરમાં આશરે 1.1 કરોડ લોકો રહે છે.