ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે 11 ડિસેમ્બરે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડેમાં 91 બોલમાં 11 ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 113 રન ફટકારીને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન રિકી પોન્ટિંનો રેકોર્ડ તોડ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદીના રેકોર્ડમાં હવે વિરાટ કોહલી સચિન તેંડુલકર પછી બીજા ક્રમે પહોંચી ગયો છે.
બાંગ્લાદેશ સામેની સદી કોહલીની 72મી આંતરાષ્ટ્રીય સદી છે. આ સાથે તેને પોન્ટિંગના 71 આંતરરાષ્ટ્રીય સદીના રેકોર્ડને તોડી નાંખ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારી છે. આ યાદીમાં 72 સદી સાથે કોહલી બીજા ક્રમે આવી ગયો છે. 71 સદી સાથે રિકી પોન્ટિંગ ત્રીજા અને 62 સદી સાથે શ્રીલંકાનો કુમાર સંગાકરા ચોથા ક્રમે છે. પાંચમાં ક્રમે સાઉથ આફ્રિકાનો ઓલ-રાઉન્ડર જેક્સ કાલિસ છે તેને 62 સદી ફટકારી છે.
વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને વન-ડેમાં 49 સદી ફટકારી છે. બાંગ્લાદેશ સામેની સદી કોહલીની 44મી વન-ડે સદી છે. હવે તે વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારવાના સચિનના રેકોર્ડને તોડવાથી ફક્ત છ સદી દૂર છે. આ યાદીમાં ત્રીજા ક્રમે રિકી પોન્ટિંગ છે. તેને 30 સદી ફટકારી છે. રોહિત શર્માએ 29 અને સનથ જયસૂર્યાએ 28 સદી ફટકારી છે. વિરાટ કોહલીએ આ વર્ષે ઓગસ્ટમાં રમાયેલા એશિયા કપ ટી20માં અફઘાનિસ્તાન સામે સદી ફટકારીને પોતાનું ફોર્મ પરત મેળવ્યું હતું.