સંસદીય સમિતિએ એક મહત્ત્વપૂર્ણ ભલામણ જણાવ્યું છે કે માત્ર તબીબી ગાંડપણ કોઇ આરોપીને નિર્દોષ છોડવાનો આધાર બની શકે નહીં અને માન્ય બચાવનો દાવો કરવા માટે કાનૂની ગાંડપણ સાબિત કરવું જરૂરી છે. સંસદની સ્થાયી સમિતિએ ત્રણ નવા સૂચિત ફોજદારી કાયદાઓની ચકાસણી કર્યા પછી તેનો અહેવાલ તૈયાર કર્યો છે અને તેમાં આ અવલોકનો કરવામાં આવ્યા છે. સમિતિના અહેવાલો શુક્રવારે રાજ્યસભાને સુપરત કરાયાં હતાં.
ભાજપના સાંસદ બ્રિજલાલની આગેવાની હેઠળની ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ ભલામણ કરી છે કે સૂચિત નવા ફોજદારી કાયદામાં ‘માનસિક બીમારી’ શબ્દને બદલીને ‘અસ્વસ્થ મન’ કરવામાં આવે, કારણ કે માનસિક બીમારીનો અર્થ અસ્વસ્થ મનની તુલનામાં ખૂબ વ્યાપક છે. તેના દાયરામાં મનોદશામાં એકાએક ફેરફાર (મૂડ સ્વિંગ) અથવા સ્વૈચ્છિક રીતે કરાયેલા નશોનો પણ સમાવેશ થઈ જતો હોય તેવું લાગે છે.
ત્રણ સૂચિત ફોજદારી કાયદાઓમા ભારતીય ન્યાય સંહિતા (BNS-2023), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS-2023) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (BSA-2023)નો સમાવેશ થાય છે. આ સૂચિત ત્રણ નવા કાયદા ભારતીય દંડ સંહિતા-1860, ફોજદારી કાર્યવાહી ધારો, 1898, અને ભારતીય પુરાવા ધારા, 1872નું સ્થાન લેશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બ્રિટિશ સમયની ફોજદારી ન્યાયી પ્રણાલીમાં ધરમૂળથી ફેરફાર કરવા માટે 11 ઓગસ્ટે લોકસભામાં આ ત્રણ નવા બિલ રજૂ કર્યાં હતા.
સમિતિએ અવલોકન કર્યું છે કે ભારતીય દંડ સંહિતામાં અસ્વસ્થ મનની વ્યક્તિ શબ્દનો નિયંત્રિત અર્થ થાય છે અને તેનો તેનો આરોપી માટે પોતાના બચાવ તરીકે ઉપયોગ કરી શકે છે. સમિતિ માને છે કે માત્ર તબીબી ગાંડપણ કોઇ આરોપીને નિર્દોષ છોડવાનો આધાર બની શકે નહીં અને માન્ય બચાવનો દાવો કરવા માટે કાનૂની ગાંડપણ સાબિત કરવું જરૂરી છે.
જોકે સમિતિએ જણાવ્યું છે કે અસ્વસ્થ મનની તુલનામાં માનસિક બિમારીનો અર્થ ઘણો વ્યાપક છે અને તેના દાયરામાં મનોદશામાં એકાએક ફેરફાર (મૂડ સ્વીંગ) કે સ્વૈચ્છિક રીતે કરાયેલા નશાનો પણ સમાવેશ થઈ જતો હોય તેવુ લાગે છે.
સમિતિનું માનવું છે કે માનસિક બીમારીના વ્યર્થ દાવાને જો માન્ય બચાવ તરીકે મંજૂરી આપવામાં આવશે તો ફરિયાદપક્ષ માટે મોટી સમસ્યા સર્જાશે, કારણ બચાવપક્ષ આ જોગવાઈ હેઠળ દાવાઓ કરશે અને તેનાથી ભારતીય ન્યાય સંહિતાનો મૂળ ઉદ્દેશ્યને માર્યો જશે. તેથી સમિતિ ભલામણ કરે છે કે ભારતીય ન્યાય સંહિતામાં ‘માનસિક બીમારી’ શબ્દ બદલીને ‘અસ્વસ્થ મન’ કરી શકાય, કારણ કે હાલનો શબ્દ ટ્રાયલ સ્ટેજ દરમિયાન સમસ્યાઓ ઊભી કરી શકે છે. આવા કિસ્સામાં આરોપી સરળતાથી દર્શાવી શકે છે કે તેના દારુ કે ડ્રગ્સના પ્રભાવ હેઠળ ગુનો કર્યો હતો અને તેને નશા વગર ગુનો કર્યો હોય તો પણ તેની સામે કાર્યવાહી કરી શકાશે નહીં.