સંસદીય સમિતિએ આઇઆઇટી જેવી ટેકનિકલ અને નોન ટેકનિકલ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષણનું માધ્યમ હિન્દી અને સ્થાનિક ભાષાઓ રાખવાની અને અંગ્રેજીના પ્રાધાન્યમાં ઘટાડો કરવાની ભલામણ કરી છે. સત્તાવાર ભાષા અંગેની સંસદની સમિતિએ હિન્દીને સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં સત્તાવાર ભાષા પૈકીની એક બનાવવાની પણ ભલામણ કરી છે.
ગયા મહિને પ્રેસિડન્ટ દ્વૌપદી મુર્મુને સુપરત કરતાં 11મા અહેવાલમાં સમિતિએ જણાવ્યું છે કે તમામ રાજ્યોમાં અંગ્રેજીની જગ્યાએ સ્થાનિક ભાષાઓને પ્રાધાન્ય આપવું જોઇએ. આ સમિતિના વડા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે સમિતિએ સૂચન કર્યું છે કે દેશની તમામ ટેકનિકલ અને નોન-ટેક્નિકલ સંસ્થાઓમાં હિન્દી અથવા સ્થાનિક ભાષાનો શિક્ષણના માધ્યમ તરીકે ઉપયોગ થવો જોઈએ અને અંગ્રેજીનો ઉપયોગ વૈકલ્પિક બનાવવો જોઈએ. બીજી પેટા સમિતિના કન્વીનર એવા બીજેપી સભ્ય રીટા બહુગુણા જોશીએ પણ આવી જ લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે અંગ્રેજી એ વિદેશી લેંગ્વેજ છે અને અમે તેને ખતમ કરવા માંગીએ છીએ અને તેનું સ્થાન હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાઓ દ્વારા લેવું જોઈએ.
સમિતિના ઉપાધ્યક્ષ અને BJD નેતા ભર્તૃહરિ મહતાબે જણાવ્યું હતું કે સમિતિએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર ભલામણો તૈયાર કરી છે જેમાં સૂચનાનું માધ્યમ સત્તાવાર ભાષા અથવા પ્રાદેશિક ભાષાઓ હોવી જોઈએ. સમિતિએ સૂચન કર્યું છે કે ‘A’ કેટેગરીના રાજ્યોમાં હિન્દીને સન્માનજનક સ્થાન આપવું જોઈએ અને તેનો 100 ટકા ઉપયોગ થવો જોઈએ.
સમિતિએ ભલામણ કરી છે કે હિન્દીભાષી રાજ્યોમાં IIT, કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને કેન્દ્રીય વિદ્યાલયોમાં શિક્ષણનું માધ્યમ હિન્દી અને ભારતના અન્ય ભાગોમાં તેમની સંબંધિત સ્થાનિક ભાષા હોવી જોઈએ.
મહતાબે કહ્યું કે બનારસ હિંદુ યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટી, જામિયા મિલિયા ઇસ્લામિયા, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં હિન્દીનો ઉપયોગ માત્ર 20-30 ટકા થઈ રહ્યો છે, પરંતુ તેનો ઉપયોગ 100 ટકા થવો જોઈએ.અંગ્રેજી એક વિદેશી ભાષા છે અને આપણે આ ગુલામીની પ્રથાને દૂર કરવી જોઈએ.