નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ની સમિતિના અધ્યક્ષ સી આઈ આઈઝેકે જણાવ્યું હતું કે સમિતિએ પાઠ્યપુસ્તકોમાં વિવિધ લડાઇઓમાં હિન્દુ વિજયોને હાઇલાઇટ કરવાની ભલામણ પણ કરી છે. હાલના પાઠ્યપુસ્તકોમાં આપણી નિષ્ફળતાઓનો વ્યાપક ઉલ્લેખ છે, પરંતુ મુઘલો અને સુલતાનો પરના આપણા વિજયોનો ઉલ્લેખ કરાયો નથી
NCERTએ સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં સુધારાવધારા કરવા માટે રચેલી સમિતિએ તમામ ધોરણોના પાઠ્યપુસ્તકોમાં ઇન્ડિયાની જગ્યાએ ભારત શબ્દ લખવાની ભલામણ કરી છે. સમિતિના અધ્યક્ષ સી આઈ આઈઝેકના જણાવ્યા અનુસાર સમિતિએ અભ્યાસક્રમમાં “પ્રાચીન ઈતિહાસ”ને બદલે ક્લાસિકલ હિસ્ટરી રાખવા અને તમામ વિષયોના અભ્યાસક્રમમાં ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS)નો સમાવેશ કરવાનું પણ સૂચન કર્યું છે.
જોકે NCERTના અધ્યક્ષ દિનેશ સકલાનીએ જણાવ્યું હતું કે સમિતિની ભલામણો પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ ભલામણો પર તીખી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા વેણુગોપાલે કહ્યું હતું કે રમતના મેદાન પરની ટીમ ઈન્ડિયા હોય કે ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન હોય તે ઇન્ડિયા શબ્દ માટે ભારત જેટલું ગૌરવ જગાવે છે. ઇન્ડિયાના હાથે જોરદાર હારના ભયે સરકાર આવા મરણિયા પ્રયાસો કરી રહી છે. ભાજપે ભારત કે ઇન્ડિયા કોઇ પ્રત્યે નિષ્ઠાવાન નથી. ધ્રુવીકરણના રાજકારણ માટેની ભાજપની આ એક પ્રયુક્તિ છે.