2023માં વિશ્વના ત્રીજા ભાગમાં મંદીમાં આવશેઃ IMFઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ વૈશ્વિક અર્થતંત્ર અંગે ગંભીર ચેતવણી આપતા જણાવ્યું હતું કે 2023માં વિશ્વના ત્રીજા ભાગના વિસ્તારોમાં મંદી આવશે. અમેરિકા, યુરોપીય યુનિયન અને ચીનમાં નરમ આર્થિક ગતિવિધિની વચ્ચે ગયા વર્ષની સરખામણીમાં આ મંદી વધુ કઠિન હશે.
આઈએમએફ પ્રમુખ ક્રિસ્ટલીના જાર્જીવાએ એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે હજુ રશિયા-યુક્રેનના યુદ્ધના 10 મહિના પછી પણ યુદ્ધ શાંત પડે તેવા કોઈ સંકેત નથી. ફુગાવો, ઉચ્ચ વ્યાજદરો અને ચીનમાં કોરોના વાયરસના ચેપના કેસો વધી રહ્યા છે. તેની સીધી અસર અર્થતંત્ર પર પડશે.અમારું અનુમાન છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો એક તૃતિયાંશ ભાગ મંદીમાં હશે.
આઈએમએફે ગત વર્ષે ઓક્ટોબર 2023 માટે આર્થિક વૃદ્ધિનું અનુમાન ઘટાડ્યું હતું. વૈશ્વિક સંસ્થાએ કહ્યું કે વૈશ્વિક વૃદ્ધિ દરના 2022માં 3.2 ટકા અને 2023માં ઘટીને 2.7 ટકા રહેવાનું અનુમાન છે, જે 2021માં છ ટકા રહ્યું હતું.