કોરોના મહામારી અને યુક્રેન યુદ્ધને પગલે વૈશ્વિક આર્થિક મંદીની શક્યતામાં વધારો થઈ રહ્યો છે. વિશ્વના ૬૦ ટકાથી વધુ ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસરો (સીઇઓ)નું માનવું છે કે વિશ્વમાં આગામી ૧૨ થી ૧૮ મહિનામાં મંદી જોવા મળી શકે છે. એક સરવેમાં આવી આશંકા વ્યક્ત કરાઈ છે. ૬૫ ટકા સીઇઓનું માનવું છે કે તેમની કંપની જે વિસ્તારમાં કાર્ય કરી રહી છે ત્યાં અગાઉથી જ મંદી છવાઇ ગઇ છે. આ સરવે ૭૫૦થી સીઇઓએ ભાગ લીધો હતો.
કોન્ફરન્સ બોર્ડ દ્વારા હાથ ધરાયેલા સરવે જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી યુરો ઝોનમાં જીડીપીમાં વૃદ્ધિ જોવા મળી રહી છે, પણ શું આ વૃદ્ધિ આગળ જળવાઇ રહેશે કે નહીં તે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ર છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સતત વધી રહેલા ફુગાવાને કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી રહી છે. બીજી તરફ યુક્રેનમાં યુદ્ધને કારણે વસ્તુઓના પુરવઠા ઉપર પણ પ્રતિકૂળ અસર પડી રહી છે. આ બંને કારણોને પગલે મંદીની વધુ શક્યતાઓ રહેલી છે.
અમેરિકામાં મંદીની શક્યતાઓ વધી ગઇ છે. બેંક ઓફ અમેરિકા ગ્લોબલ રિસર્ચના જણાવ્યા અનુસાર આગામી વર્ષે અમેરિકામાં મંદી આવવાની શક્યતા ૪૦ ટકા રહેલી છે. ૭૦ ટકા અગ્રણી શૈક્ષણિક અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે અમેરિકામાં આગામી વર્ષે અમેરિકા મંદીમાં ઘેરાઇ જશે. ફેડરલ રિઝર્વના જણાવ્યા અનુસાર ૨૦૨૧ના ચોથા કવાર્ટરથી લઇને ૨૦૨૨ના ચોથા કવાર્ટર સુધીમાં જીડીપી ૧.૭ ટકા રહેવાનો અંદાજ છે. જે માર્ચમાં ૨.૮ ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો