1972માં હજારો યુગાન્ડન એશિયનોના લેસ્ટરમાં આગમનની યાદમાં યોજાયેલા એક ગ્રાઉન્ડ બ્રેકિંગ પ્રદર્શન ‘’રીબિલ્ડીંગ લાઇવ્સ – 50 યર્સ ઓફ યુગાન્ડન એશિયન્સ ઇન લેસ્ટર’’ને લંડનમાં બુધવારે 10 મેના રોજ યોજાયેલા પ્રતિષ્ઠિત મ્યુઝિયમ્સ + હેરિટેજ એવોર્ડ્સમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ ‘ટેમ્પરરી અથવા ટૂરિંગ એક્ઝિબિશન’ તરીકે ઓળખ આપવામાં આવી છે.
‘’રીબિલ્ડીંગ લાઇવ્સ – 50 યર્સ ઓફ યુગાન્ડન એશિયન્સ ઇન લેસ્ટર’’માં 50 વર્ષ એ ઘટનાઓના કાર્યક્રમનું કેન્દ્રસ્થાન બનાવ્યું છે જેમાં લોકોની હિજરતની વર્ષગાંઠ અને એશિયન સમુદાયે લેસ્ટ રની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થામાં આપેલા યોગદાનને રજૂ કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન માટે સિટી કાઉન્સિલ સાથે ભાગીદારીમાં લેસ્ટર સ્થિત આર્ટ સંસ્થા નવરંગ અને સ્વયંસેવકોએ મહેનત કરી હતી. જે તેના પ્રકારનું પ્રથમ સાઉથ એશિયન પ્રદર્શન હતું અને તેને એવોર્ડ્સ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું. લેસ્ટર મ્યુઝિયમ અને આર્ટ ગેલેરી ખાતે નવ મહિના સુધી ચાલેલા પ્રદર્શનની 167,000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.
નવરંગના કાર્યકારી અધ્યક્ષ રંજન સૌજાનીએ કહ્યું: “આવા પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે શોર્ટલિસ્ટ થવા બદલ અમને ગૌરવ થયું, પરંતુ તે જીતવો એ એકદમ અદ્ભુત છે! ખરેખર વિશિષ્ટ પ્રદર્શન બનાવવા, વિકસાવવા અને વિતરિત કરવા માટે ટીમે કરેલી મહેનત અવર્ણનીય છે.”
નવરંગના નિશા પોપટે ઉમેર્યું હતું કે “આ એવોર્ડ જીતવો એ એક નોંધપાત્ર સિદ્ધિ છે. અમારા બજેટની સરખામણીમાં તેમનું વિશાળ બજેટ હતું. અમને આ પ્રદર્શન પર ખૂબ ગર્વ છે.”
નવરંગના નિશિલ સૈજાનીએ કહ્યું હતું કે “અમે પ્રદર્શનમાં યોગદાન અને ટેકો આપનાર તથા નેશનલ લોટરી હેરિટેજ ફંડ, લેસ્ટર સિટી કાઉન્સિલ, નવરંગ ટીમ અને અમારા સમર્પિત સ્વયંસેવકોનો ખૂબ આભાર માનીએ છીએ.
સિટી મેયર સર પીટર સોલ્સબીએ કહ્યું હતું કે “મને ખૂબ ગર્વ છે કે આ પ્રદર્શનને આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે.’’