ભારતની ચૂંટણી પ્રક્રિયામાં મતદાનમાં ઉમેદવારો સિવાય ‘નોટા’ (None of the above-NOTA) નોટાનો વિકલ્પ આપવામાં આવે છે. હવે તેને એક કાલ્પનિક ઉમેદવાર માનીને અને જે સંસદીય બેઠક પર નોટાને બહુમતિ મળે ત્યાં ફરીથી ચૂંટણીનું યોજવા માટે નિયમો ઘડવા સુપ્રીમ કોર્ટ સમક્ષ માગણી થઈ છે. જાણીતા મોટિવેશનલ સ્પીકર શિવ ખેરાએ સુરતની લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવારના બિનહરીફ ચૂંટાવાની ઘટનાને પગલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી માગ કરી છે કે, જે લોકસભા બેઠકમાં નોટાને વધુ મત મળે ત્યાંની ચૂંટણી રદ્દ ગણીને ત્યાં ફરીથી ચૂંટણી યોજવા નિયમો ઘડવા જોઈએ. આ અંગે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ આપીને જવાબ રજૂ કરવા જણાવ્યું છે. જે ઉમેદવારને નોટા કરતાં ઓછાં મત મળે તેવા ઉમેદવાર પર પાંચ વર્ષ સુધી તમામ ચૂંટણી લડવા પ્રતિબંધ મુકાવો જોઈએ, જેથી નોટા એક કાલ્પનિક ઉમેદવાર હોવાની માહિતી લોકો સુધી પહોંચી શકે. કોર્ટમાં શિવ ખેરા વતી ઉપસ્થિત વરિષ્ઠ વકીલ ગોપાલ સંકરનારાયણને ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતા હેઠળની બેન્ચ સમક્ષ સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવારના બિનહરીફ ચૂંટાવાની તાજેતરની ઘટનાનો સંદર્ભ રજૂ કર્યો હતો.