(Photo by MAX NASH/AFP via Getty Images)
અભિનેતા આમિરખાનનો ભાણેજ ઇમરાન ખાન, સ્વ. ફિરોઝ ખાનનો પુત્ર ફરદીન ખાન, સંજય ખાનનો પુત્ર ઝાયેદ ખાન શરૂઆતની એકાદ-બે ફિલ્મોમાં ચાલ્યા બાદ ફ્લોપ નીવડ્યા હતા અને લગભગ ખોવાઇ ગયા હતા. આ વર્ષે તેઓ રૂપેરી પરદે ફરી પુનરાગમન કરી રહ્યા છે. વીતેલા યુગની વિખ્યાત અભિનેત્રી ઝીનત અમાન, કરિશ્મા કપૂરની ફિલ્મો પણ આ વર્ષે રજૂ થઇ રહી છે.
કરિશ્મા કપૂર
કરિશ્મા કપૂર એક સમયે ટોચની અભિનેત્રી હતી. તેણે આમિર ખાન, ગોવિંદા સહિતના અનેક મોટા કલાકારો સાથે કામ કર્યું છે. તેણે સંખ્યાબંધ હીટ ફિલ્મો પણ આપી છે.  ‘દિલ તો પાગલ હૈ’, ‘રાજા હિન્દુસ્તાની’  વગેરે તેની હીટ ફિલ્મો પૈકીની છે. તેની છેલ્લી ફિલ્મ 2012માં રિલીઝ થયેલી ‘ડેન્જરસ ઈશ્ક’ હતી. આ પછી તેણે કેટલીક ફિલ્મોમાં કેમિયો કર્યો હતો, પરંતુ મુખ્ય ભૂમિકાવાળી કોઈ ફિલ્મ કરી નથી. હવે તે હોમી અજદાનિયાની ફિલ્મ ‘મર્ડર મુબારક’માં જોવા મળવાની છે.
ઝીનત અમાન
એક જમાનામાં અમિતાબ બચ્ચન, રાજેશ ખન્ના સહિતના હિન્દી ફિલ્મોના ટોચના સ્ટાર સામે મુખ્ય ભૂમિકા ભજવનાર ઝીનત અમાન આજકાલ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. તેની રીલ અને ફોટા વાયરલ થતા રહે છે. તેણે 2019માં આવેલી ફિલ્મ ‘પાનીપત’માં કેમિયો કર્યો હતો. હવે તેની ‘બન ટિક્કી’ નામની ફિલ્મ આ વર્ષે આવી રહી છે. આમાં તેની સાથે શબાના આઝમી અને અભય દેઓલ છે.
ફરદીન ખાન
સ્વ. ફિરોઝ ખાનનો પુત્ર ફરદીન ખાનની પહેલી ફિલ્મ પ્રેમઅગન હતી. જેની નોંધ લેવાઇ હતી. પછી તેની જાનશીં આવી હતી. કોમેડી ફિલ્મ નો એન્ટ્રીમાં તેના કામના વખાણ થયા હતા. પણ તે પછી ઝાઝું કંઇ ઉકાળી શક્યો નહીં. વચ્ચે તે મેદસ્વી થઇ ગયો હતો પણ હમણાં તેણે પોતાના શરીરને ફીટ રાખવામાં ધ્યાન આપવાનું શરૂં કર્યું હોવાનું કહેવાય છે.  2024માં તે સુષ્મિતા સેન સાથે ‘વિસફોટ’ નામની ફિલ્મથી પુનરાગમન કરી રહ્યો છે..
ઈમરાન ખાન
આમિર ખાનના ભાણેજ ઈમરાન ખાને  ૨૦૦૮ માં રોમેન્ટિક કૉમેડી જાને તુ… યા જાને ના ફિલ્મ સાથે ખાને પોતાના પુખ્ત અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ હીટ રહી હતી. પછી  ‘દિલ્હી બેલી’ અને લક સહિતની તેની અમુક ફિલ્મો જ હિટ રહી હતી. 2015ની ‘કટ્ટી બટ્ટી’ પછી તે કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી. હવે તે અબ્બાસ ટાયરવાલાની વેબ સિરીઝ સાથે ફરીથી જોવા મળે તેવી શક્યતા છે.
ઝાયેદ ખાન
વીતેલા યુગના અભિનેતા સંજય ખાનના પુત્ર અને ઋતિક રોશનના ભૂતપૂર્વ સાળા ઝાયેદ ખાનની પહેલી ફિલ્મ શાહરુખ ખાનની સુપરહીટ ‘મૈ હું ના’ હતી. આ ઉપરાંત તેણે ‘દસ’ અને ‘ફાઇટ ક્લબ’માં પણ કામ કર્યું હતું. આ પછી તેની જે ફિલ્મો આવી તે ચાલી નહીં.  તે છેલ્લે ‘શરાફત ગઈ તેલ લેને’ નામની ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ વર્ષે તેની કોઇ ફિલ્મ ફ્લોર પર જાય એવી શક્યતા છે.
સાહિલ ખાન
‘સ્ટાઈલ ફિલ્મના કારણે સાહિલ ખાને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. પછી તે ફિલ્મી દુનિયાથી દુર રહ્યો અને ફિટનેસ એક્સપર્ટ તરીકે કામ કરતો રહ્યો. અભિનેતા જેકી શ્રોફની પત્ની આયેશા સાથેના તેના સંબંધો અંગે પણ વચ્ચે વિવાદ સર્જાયો હતો.  હવે ‘સ્ટાઈલ’ ફિલ્મનો વધુ એક ભાગ આવી રહ્યો છે.  થોડાં સમય પહેલા તેણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, તે શરમન જોશી સાથે ‘સ્ટાઈલ’ના ત્રીજા ભાગમાં જોવા મળશે.

LEAVE A REPLY