રિઝર્વ બેન્કે ગુરુવારે તેના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની બેલેન્સ શીટનું કદ 31 માર્ચ, 2024 સુધીમાં 11.08 ટકા વધી રૂ.70.48 લાખ કરોડ થયું હતું. આમ આરબીઆઇનું બેલેન્સશીટનું કદ 844.76 બિલિયન ડોલર થાય છે, જે પાકિસ્તાનની કુલ જીડીપી કરતાં આશરે 2.5 ગણું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ડેટા મુજબ હાલમાં પાકિસ્તાનની જીડીપી 338.24 બિલિયન ડોલર છે.
રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે 2022-23માં આરબીઆઈની બેલેન્સ શીટનું કદ રૂ.63.44 લાખ કરોડ હતું.આરબીઆઈની બેલેન્સ શીટ દેશના જીડીપીના 24.1 ટકા થઈ હતી, જે અગાઉના વર્ષે 23.5 ટકા હતી. રિઝર્વ બેન્કની આવક 17.04 ટકા વધી હતી, જ્યારે ખર્ચ 56.3 ટકા ઘટ્યો હતો. વિદેશી સિક્યુરિટીઝમાંથી વ્યાજની આવકમાં મોટો ઉછાળો આવતા આરબીઆઈનું સરપ્લસ 141.23 ટકા ઉછળીને રૂ.2.11 લાખ કરોડ થયું હતું, જે તેને ડિવિડન્ડ સ્વરૂપે સરકારને ગત સપ્તાહે ટ્રાન્સફર કર્યું છે. આ ઉપરાંત આરબીઆઈએ કન્ટિન્જન્સી ફંડ પેટે રૂ.42,820 કરોડ ઉપલબ્ધ કરાવ્યા છે. આરબીઆઈને ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શનમાંથી રૂ.83,616 કરોડનો નફો થયો હતો.
વિદેશી સિક્યુરિટીઝમાંથી વ્યાજની આવક રૂ.65,328 કરોડ થઈ હતી.રિપોર્ટ અનુસાર ભારતીય અર્થતંત્ર 2023-24માં મજબૂત ગતિથી આગળ વધ્યું છે અને રિયલ જીડીપી ગ્રોથ 7.6 ટકા રહ્યો હતો, જે અગાઉના વર્ષે 7 ટકા હતો. સતત ત્રીજા વર્ષે દેશનો જીડીપી ગ્રોથ 7 ટકાથી વધારે રહ્યો છે. 2024-25 માટે પણ દેશનો જીડીપી ગ્રોથ 7 ટકા રહેશે તેવો આરબીઆઈએ અંદાજ મૂક્યો છે.
આરબીઆઈએ કહ્યું કે બેન્કો અને કોર્પોરેટ્સની મજબૂત બેલેન્સ શીટ, સરકારનું મૂડીખર્ચ પર ફોકસ અને ફિસ્કલ મોરચે મજબૂત કામગીરી, રેગ્યૂલેટરી પોલિસીને કારણે રોકાણ ક્ષેત્રે માંગ સારી રહી હતી જેને પગલે ગ્રોથ નોંધપાત્ર રહ્યો હતો. આ ઉપરાંત ખરીફ અને રવિ સિઝનમાં તમામ પાક માટે ઉત્પાદન ખર્ચને બાદ કરતા 50 ટકા વળતર સાથે લઘુતમ ટેકાના ભાવ પણ જોવા મળ્યા હતા.