રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુજરાતની કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ, ગાંધીધામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્ક અને મેઘરાજ નાગરિક સહકારી બેન્ક સહિતની ત્રણ સહકારી બેન્કોને નિયમોના ઉલ્લંઘન બદલ પેનલ્ટી ફટકારી છે.
મીડિયા અહેવાલ પ્રમાણે રિઝર્વ બેંકે ત્રણેય સહકારી બેંકોને દંડ ફટારવાની કાર્યવાહી સોમવારે કરી હતી. સૌથી વધારે દંડ રાજકોટની સહકારી બેંક પર ફટકારવામાં આવ્યો છે. આરબીઆઈએ તેના પર બે લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારી છે, જ્યારે ગાંધીધામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર રૂ.50,000 અને મેઘરાજ નાગરિક સહકારી બેંક સામે રૂ. 25,000નો દંડ ફટકાર્યો છે.
મધ્યસ્થે બેન્કે દંડની આ કાર્યવાહીના સંબંધમાં રાજકોટની સહકારી બેંક માટે કહ્યું છે કે ડિપોઝિટર્સ એજ્યુકેશન અને જાગરુકતા ફંડમાં 10 વર્ષથી વધારે સમયના બાકી રહેતા ઘણા ખાતામાં બેલેન્સ ફંડ ટ્રાન્સફર કર્યું નથી. તેના કારણે બેંકને નોટિસ ફટકારવામાં આવી હતી અને કારણ પૂછવામાં આવ્યું હતું. જોકે, યોગ્ય કારણ જણાવી ન શકવાના કારણે અને આ અંગે રિઝર્વ બેંકના દિશા-નિર્દેશોનું પાલન ન કરવાના કારણે બેંકને દંડ ફટકારવામાં આવ્યો છે.
કચ્છ સ્થિત ગાંધીધામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક મામલે આરબીઆઈએ નોંધ્યું છે કે બેંકે એક લોન એપ્રુવલ મામલામાં નિયમોનું પાલન કર્યું નથી. આવા જ પ્રકારનું ઉલ્લંઘન ત્રીજી બેંક મેઘરાજ નાગરિક સહકારી બેંકના મામલામાં પણ જોવા મળ્યું હતું.