ફુગાવાને અંકુશમાં લેવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બુધવારે તેની ઇમર્જન્સી મીટિંગમાં રેપો રેટ (ધિરાણદર) 0.40 ટકા વધારીને 4.40 ટકા કર્યા છે. રિઝર્વ બેન્કે પહેલી ઓગસ્ટ 2018 પછીથી પ્રથમ વખત વ્યાજદરમાં આ વધારો કર્યો છે. ભારતમાં માર્ચ 2022માં રિટેલ ફુગાવો આશરે 7 ટકા રહ્યો હતો અને તેમાં વધારાનો ટ્રેન્ડ છે.

સેન્ટ્રલ બેન્કના આ નિર્ણયથી દેશની બીજી બેન્કો પણ વ્યાજદરમાં વધારો કરશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે બપોરે બે વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રેપો રેટમાં વધારાની જાહેરાત કરી હતી. રેપોરેટ વધતા જ તમામ પ્રકારની લોન પણ મોંઘી થશે. કેટલીક બેંકોએ અગાઉથી લોનના વ્યાજ વધારી પણ દીધા છે. તાજેતરમાં જ HDFCએ પણ હોમ લોનનું વ્યાજ 0.05 ટકા વધાર્યું હતું

રેપો રેટ એટલે એવો દર કે જે દરે રિઝર્વ બેંક અન્ય બેંકોને ધીરાણ કરે છે. અત્યારસુધી આ ધિરાણ 4 ટકાના દરે મળતું હતું, જે હવે 4.40 ટકાના દરે મળશે. જેના કારણે બેંકો પણ પોતાનું માર્જિન જાળવી રાખવા માટે લોનના વ્યાજ દર વધારશે. તેના કારણે કદાચ તમારી હોમ લોનનો EMI ના વધે, પરંતુ વ્યાજ દરના વધારા અનુસાર તેનો સમયગાળો લંબાઈ શકે છે. દેશમાં વ્યાજદર છેલ્લા કેટલાક સમયથી ઐતિહાસિક નીચા સ્તરે હતા. જેના કારણે હોમ લોન્સ પણ માંડ સાડા છથી સાત ટકા સુધીના વ્યાજ દરે મળી જતી હતી. જોકે, ક્રુડ ઓઈલમાં થઈ રહેલો ભાવવધારો, મોંઘા પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત અન્ય ચીજવસ્તુઓના ભાવ વધતા પણ મોંઘવારી વધી હતી. જ્યારે મોંઘવારી વધે ત્યારે બજારમાં કેશ ફ્લો ઓછો કરવા માટે રિઝર્વ બેંક વ્યાજના દરમાં વધારો કરતી હોય છે. રિઝર્વ બેંકે વ્યાજદરમાં અણધાર્યો વધારો કરતા શેરબજારમાં પણ તેની અસર જોવા મળી છે.