રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વાર યુકેના વેરહાઉસમાં રહેલું 100 મેટ્રિક ટન સોનુ નાણાકીય વર્ષ 2023-24માં ભારત પરત લાવવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, 1991 પછી પ્રથમવાર ભારત દ્વારા આટલા મોટા પ્રમાણમાં સોનાને પરત લાવવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, ભારતે 1991 વિદેશી હૂંડિયામણના સંકટમાંથી બહાર આવવા સોનાનો મોટો હિસ્સો ગીરવે મૂક્યો હતો. 2023-24માં ભારતનો કુલ સોનાનો જથ્થો 27.46 મેટ્રિક ટન વધીને 822 મેટ્રિક ટન થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતના સોનાનો નોંધપાત્ર હિસ્સો વિદેશમાં છે. અન્ય દેશોની જેમ ભારતનું સોનુ પણ બેન્ક ઓફ ઇંગ્લેન્ડમાં છે. આ 100 ટન સોનુ દેશમાં પરત લાવવાને કારણે ભારતમાં રાખવામાં આવેલો સોનાનો કુલ જથ્થો 408 મેટ્રિક ટન થયો છે. એનો અર્થ એ થયો કે, ભારતનું સોનુ દેશ અને વિદેશમાં હવે લગભગ સમાન ભાગમાં છે. રીઝર્વ બેન્કે ગત નાણાકીય વર્ષના વાર્ષિક રીપોર્ટમાં જણાવ્યું હતું કે, વિદેશમાં રાખવામાં આવેલું ભારતનું સોનુ 413.79 મેટ્રિક ટન છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષમાં સોનાની ખરીદીને પગલે ભારતે વિદેશમાંથી સોનાનો જથ્થો ઘટાડવાનો નિર્ણય લીધો હતો.

LEAVE A REPLY