રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ક્રોસ-બોર્ડર ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમો બદલ્યા છે. હવે કંપનીઓએ ઓક્ટોબર ૨૦૨૨થી વિદેશમાં રૂ. ૫૦ કરોડ કે તેથી વધારે રકમની લેવડદેવડ માટે ૨૦ આંકડાના લિગલ એન્ટિટી આઇડેન્ટિફાયર (એલઇઆઇ) નંબરનો ઉલ્લેખ કરવો પડશે.
રિઝર્વ બેન્કે આ અંગે માહિતી આપતા કહ્યુ કે, એલઇઆઇ નંબર એ નાણાંકીય લેવડદેવડની માટે પાર્ટીઓની ઓળખની ખાતરી કરવા માટે ૨૦ આંકડાનો એક નંબર હોય છે. નાણાંકીય આંકડાઓ સાથે સંલગ્ન પ્રણાલીઓની ગુણવત્તા અને સચોટતાને સુધારવા માટે સમગ્ર વિશ્વમાં તેનો ઉપયોગ કરાય છે.
રિઝર્વ બેન્કે એક પરિપત્રમાં કહ્યુ કે, ભારતમાં આવેલી કંપનીઓએ બેન્કોમાંથી રૂ. ૫૦ કરોડ કે વધારે રકમની વિદેશમાં લેવડ-દેવડ કરવા માટે એક ઓક્ટોબર ૨૦૨૨થી એલઇઆઇ નંબર લેવાના રહેશે. આ જોગવાઇ ફેમા એક્ટ-૧૯૯૯ હેઠળ કરાઇ છે. મધ્યસ્થ બેન્કે ઉમેર્યુ કે, વિદેશી કંપનીઓના સંદર્ભમાં એલઇઆઇની કોઇ માહિતી ઉપલબ્ધ ન હોવાની સ્થિતમાં બેન્ક લેવડદેવડ પૂર્ણ કરી શકે છે.
મધ્યસ્થ બેન્ક ભારતીય નાણાંકીય પ્રણાલીમાં એલઇઆઇનો તબક્કાવાર અમલ કરી રહી છે. તે ઓટીસી ડેરિવેટિવ્સ, નોન- ડેરિવેટિવ્સ માર્કેટ, મોટી કોર્પોેરેટ લોન લેનાર અને મોટી રકમની લેવડદેવડમાં સામેલ પાર્ટીઓની માટે એલઇઆઇની વ્યવસ્થા લાગુ કરી રહી છે.
રિઝર્વ બેન્કે કહ્યુ કે, બેન્ક, કંપનીઓને એક ઓક્ટોબર ૨૦૨૨ની પહેલા પણ રૂ. ૫૦ કરોડ કે તેનાથી વધારે રકમના ક્રોસ-બોર્ડર ટ્રાન્ઝેક્શન માટે એલઇઆઇ નંબર જારી કરવા પ્રોત્સાહિત કરી શકે છે. અલબત્ત એક વાર એલઇઆઇ નંબર જારી થયા બાદ કંપનીએ લેવડદેવડમાં તેનો ઉલ્લેખ કરવો જરૂરી રહેશે.