ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ અને ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીને કોરોનાનો ચેપ લાગતાં તેને આઇસોલેટ કરાયો છે. શાસ્ત્રીનો ટેસ્ટ પોઝિટીવ આવ્યા પછી ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફના સભ્યોને પણ આઇસોલેશનમાં મોકલી દેવાયા હતા. ભારતીય ટીમના ચોથી ટેસ્ટમાં રમી રહેલા ખેલાડીઓ – પ્લેઈંગ ઈલેવનના સભ્યોના બે વખત કોરોના ટેસ્ટ કરાયા હતા, જે નેગેટિવ આવતાં ટેસ્ટ મેચની ચોથા દિવસની રમત નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આગળ ધપાવાઈ હતી.
ઓવલ ટેસ્ટ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ રોકાઈ છે તે હોટલમાં રવિ શાસ્ત્રીના પુસ્તકનો વિમોચનનો કાર્યક્રમ રખાયો હતો. સમારંભમાં બાયો-બબલમાં ના હોય તેવા મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમાં બોલિંગ કોચ ભરત અરૃણ, ફિલ્ડિંગ કોચ શ્રીધર અને ફિઝિયો નિતીન પટેલ પણ હાજર હતા. ભારતીય ટીમના આ તમામ સપોર્ટ સ્ટાફને આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે કોરોનાની રસીના બંને ડોઝ લીધેલા છે.
ભારતીય ક્રિકેટ બોર્ડના સૂત્રોએ કહ્યું કે, યુકેમાં કોઈ નિયંત્રણો નહીં હોવાથી ટીમની હોટલમાં યોજાયેલા પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં બાયોબબલમાં ન હોય તેવા આમંત્રિતો પણ હાજર રહ્યા હતા. ભારતીય ટીમના બોલિંગ કોચ ભરત અરૃણને ઈંગ્લેન્ડ પ્રવાસમાં આ બીજી વખત આઇસોલેશનમાં મોકલાયો હતો. ભારતીય ટીમ મંગળવારે માંચેસ્ટર જવા રવાના થશે. ટીમના ચાર સ્ટાફ મેમ્બર્સનો આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટીવ આવશે તો તેમને ૧૦ દિવસના રૃમ આઇસોલેશનમાં રહેવું પડશે. જે પછી તેમના બે ટેસ્ટ નેગેટિવ આવે પછી જ તેઓ ટીમની સાથે જોડાઈ શકશે.