લીડ્સમાં રહેતો 10 વર્ષનો રવિ સૈની નામનો બાળક 31 જુલાઇએ સ્કારબોરો નજીક દરિયામાં તણાઇ ગયો હતો પરંતુ બીબીસી ટીવીની એક ડોક્યુમેન્ટરીમાં દરીયામાં સતત તરતા કઇ રીતે રહેવું તે માટેની સલાહનુ પાલન કરીને એક કલાકથી વધુ સમય સુધી જીવતો રહ્યો અને છેલ્લે તેને બચાવી લેવાયો હતો. તેને એક વખતે તો લાગ્યું હતું કે તે મૃત્યુ પામશે પણ તેની ધીરજ ને બહાદુરીએ તેને જીવતો રાખ્યો હતો.
રવિ તેના પિતા, નથુ રામ, માતા પુષ્પા દેવી અને નવ વર્ષની બહેન, મુસ્કાન સાથે સાઉથ બેમાં બીચ પર એક દિવસની હોલીડે પર ગયો હતો. રવિ તેના પિતા અને બહેન સાથે દરિયાના પાણીમાં ગયો હતો.
રવિએ જણાવ્યું હતું કે ‘’મને અચાનક સમજાયું હતું કે હું ક્ષમતા કરતા વધુ ઉંડાઈએ જતો રહ્યો છું. હું તરતો રહ્યો હતો પરંતુ સાથે સાથે ‘હેલ્પ હેલ્પ’ની ચીસો પણ પાડી હતી. હું ડરી ગયો હતો અને મને લાગ્યું હતું કે મારા જીવનનો અંત આવી રહ્યો છે. હું દર સપ્તાહે સ્વિમિંગ લેસન લઉ છું અને મેં બીબીસીની ડોક્યુમેન્ટરી ‘સેવિંગ લાઇવ્સ એટ સી’ જોઇ હતી જેમાં બતાવાયું હતું કે તમે કઇ રીતે તમારી પીઠ પર પડેલા રહીને બે હાથ પગ પહોળા કરીને સતત તરતા રહી શકો છો, શાંત રહેવાની અને સ્ટારફિશની જેમ ફેલાઇ જવાની ટેકનીક બતાવાઇ હતી. પરંતુ પાણીમાં મોજાનુ જોર એટલુ જોરદાર હતુ કે મારા શરીરનો એક એક ભાગ પાણીમાં જતો રહેતો અને પાછો ઉપર આવવામાં 10 સેકંડ લેતો હતો. . હું દરિયામાં “પાંચ કલાક” જેટલો રહ્યો હતો. પછી મેં લાઇફબોટનું એન્જિન નજીક આવતું સાંભળ્યું હતું અને તેમણે મને બચાવી લીધો હતો.’’
તેના શેફ પિતા રામે કહ્યું હતું કે “પાણી મારી ગળા સુધીનું હતું. મેં મારૂ નિયંત્રણ ગુમાવ્યું હતુ. મને ડર હતો કે મારો પુત્ર મારી નજર સામે મરી જશે. ધીરે ધીરે તે દરિયામાં ખૂબ જ આગળ વધી રહ્યો હતો. અમે એક કે બે વાર તેનો ચહેરો જોયો હોત પછી તે દેખાતો બંધ થઇ ગયો હતો.
રવિને બચાવનાર લાઇફબોટના ક્રૂમેન રૂડી બર્મને રવિને “એક અતુલ્ય તરૂણ” તરીકે વર્ણવ્યો હતો જેણે કપરી સ્થિતીમાં પણ ગભરાયો નહતો. હકીકત એ છે કે તે તેની પીઠ પર રહેવા માટે તરતો હતો. તે ખરેખર આશ્ચર્યજનક છે અને આથી જ તેનું જીવન બચી ગયું.” રવિએ ગુરુવારે RNLI બેઝની મુલાકાતે ગયો હતો અને તેને બચાવવા બદલ લાઇફ બોટ ક્રૂનો આભાર માન્યો હતો.
દરિયામાં જીવન બચાવવાની ટેકનીક અંગે જુઓ: www.rnli.org