કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીની ક્રાઈમ બ્રાન્ચે બેંગ્લોરથી અટકાયત કર્યા બાદ અમદાવાદ ખાતે લવાયો હતો. ગેંગસ્ટર રવિ પૂજારીને 2017માં બોરસદના અપક્ષ કાઉન્સિલર ઉપર ફાયરીંગના કેસમાં સોમવારે બોરસદ કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
વોરંટની કાર્યવાહી પૂર્ણ કરી રાત્રિના સુમારે અમદાવાદ પરત લઈ જવાયો હતો. બાદમાં આજે રીમાન્ડની માંગણી માટે સાંજના સુમારે તેને પુન: બોરસદની કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
રવિ પૂજારી વિરૂધ્ધ ગુજરાતભરમાં 30 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ-2017માં બોરસદના અપક્ષ કાઉન્સીલર પ્રજ્ઞેશ પટેલ ઉપર ગેંગસ્ટર રવિ પૂજારી સહિતના સાગરીતોએ ફાયરીંગ કરી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જે અંગે બોરસદ શહેર પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બેંગ્લોરથી ટ્રાન્ઝીસ્ટ રીમાન્ડના આધારે તેને અમદાવાદ લાવી હતી.
ઉલ્લેખનીય છે કે કુખ્યાત રવિ પૂજારીએ આણંદ જિલ્લામાં એક ઉદ્યોગપતિ, સહકારી મંડળીના એક અગ્રણી તથા એક રાજકીય નેતાને ફોન કરી ખંડણી માંગી હતી. બોરસદ ખાતે ફાયરીંગ બાદ ચર્ચામાં આવેલ કુખ્યાત રવિ પૂજારીના નામે કેટલાક શખ્શો તેનું નામ વટાવી નાણાં પડાવતા હોવાના કિસ્સા પણ બન્યા હતા