બોલિવૂડના સ્ટાર કિડ્સ માટે 2023નું વર્ષ શુકનિયાળ સાબિત થઈ રહ્યું છે. આર્ચીઝ ફિલ્મમાં ચાર સ્ટારકિડ્સના પદાર્પણ પછી ચાર સ્ટારકિડ્સને લીડ રોલમાં ચમકાવતી બે ફિલ્મોની તૈયારી શરૂ થઈ ગઈ છે. ગોવિંદાના પુત્ર યશવર્ધન અને રવિના ટંડનની પુત્રી રાશાની પ્રથમ ફિલ્મ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આમ, તો 2021ના વર્ષમાં ગોવિંદાના પત્ની સુનિતા આહુજાએ જણાવ્યુ હતું કે, તેમનો પુત્ર યશવર્ધન બોલિવૂડમાં શરૂઆત કરવા તૈયાર છે. લોકડાઉનના કારણે પ્રોજેક્ટમાં મોડું થયું છે.
સુનિતાએ જણાવ્યું હતું કે, યશવર્ધનને લોન્ચ કરવા સારા પ્રોડક્શન હાઉસ અને સારી સ્ટોરીની શોધ લાંબા સમયથી ચાલુ હતી. દરમિયાન યશવર્ધને એક્ટિંગની ટ્રેનિંગ લીધી અને બોડી બનાવવા પર ફોકસ કર્યું હતું. યશવર્ધન હવે ડેબ્યુ માટે તૈયાર હોવાથી ગોવિંદા તેના માટે પ્રોડ્યુસર બન્યા છે. ‘આઓ ટ્વિસ્ટ કરે’ ફિલ્મથી તે બોલિવૂડમાં ડેબ્યુ કરશે. જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય આ ફિલ્મમાં કો-પ્રોડ્યુસર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે, કારણ કે તેની પુત્રી સૌંદર્ય આચાર્ય મુખ્ય ભૂમિકામાં છે.
રવિના ટંડન અને પ્રોડ્યુસર અનિલ થાડાણીની પુત્રી રાશા માત્ર 17 વર્ષની ઉંમરે બોલિવૂડમાં પગ જમાવવા થનગની રહી છે. સોશિયલ મીડિયા પર બહોળુ ફેન ફોલોઈંગ ધરાવતી રાશા માટે અભિષેક કપૂર ફિલ્મનું દિગ્દર્શન સંભાળશે. અગાઉ કાય પો છે ફિલ્મનું ડાયરેક્શન કરનારા અભિષેકને રાશા ઉપરાંત અજય દેવગણના ભત્રીજા અમાનની પણ જવાબદારી સોંપાઈ છે. ફિલ્મનું નામ હજુ નક્કી નથી, પરંતુ તેમાં રાશાની સાથે અમાન લીડ રોલમાં છે. ફિલ્મમાં સ્ટાર ડમ વધારવા માટે અજય દેવગણ મહેમાન કલાકારની ભૂમિકા ભજવશે.