અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રાનો ભક્તોની ભારે ભીડ તથા ઉમંગ અને ઉત્સાહ સાથે જમાલપુરના જગન્નાથ મંદિરેથી પ્રારંભ થયો હતો. રથયાત્રાના પ્રસ્થાન પૂર્વે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રાની મંગળા આરતી કરવામાં આવી હતી. આ વિધિમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહ્યા હતા. ભક્તોની હૈયાથી હૈયું દળાય તેવી ભીડ વચ્ચે ત્રણેય રથ મંદિરની બહાર લાવવામાં આવ્યા હતા. રથયાત્રાની આગેવાની ગજરાજોએ લીધી હતી.
ભગવાન જગન્નાથની ભક્તિમાં લીન થયેલા ભક્તોના જય રણછોડ.. માખણચોર.. નાદથી મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો જગન્નાથના દર્શન કરવા માટે તથા મંગળા આરતીમાં ભાગ લેવા માટે મોડી રાતથી જમાલપુર પહોંચી ગયા હતા. આ સાથે કોઈ મુશ્કેલી ઉભી ના થાય તે માટે જબરજસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.. મંદિરેથી નીકળેલી રથયાત્રા સૌ પહેલા દાણાપીઠમાં આવેલી કોર્પોરેશનની ઓફિસે પહોંચી હતી.
મંગળા આરતી સહિતની ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ સવારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અને આ સાથે જ રથયાત્રાના પ્રસ્થાનની વિધિ પણ શરુ થઈ ગઈ હતી.
બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામ સાથે ભગવાના જગન્નાથ અમદાવાદની નગરચર્યા નીકળ્યા હતા. ભગવાનની એક ઝાંખી મેળવવા માટે અમદાવાદના રસ્તાઓ પર હૈયાથી હૈયું દળાય તેવી ભીડ ઉમટી પડી હતી. રથયાત્રા દરમિયાન જમાલપુર વિસ્તારમાં અમી છાંટણાથી ભક્તો હિલોળે ચડ્યા હતા. રથયાત્રામાં આ વર્ષે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષાનું કરાઈ હતી. રથયાત્રા દાણાપીઠ પહોંચે તે પહેલા હેલિકોપ્ટર દ્વારા તેના પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી, જેનાથી ભક્તો ખુશ થઈ ગયા હતા.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. રથયાત્રામાં દેખાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન અને અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ડુપ્લિકેટ પણ જોવા મળ્યા હતા. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તબિયતમાં સુધારો થતાં પહિંદ વિધિ કરી હતી. અષાઢી બીજના દિવસે ભગવાનને ધરાવાતા ખાસ ખિચડી પ્રસાદનું અનેરું મહત્વ છે. મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોને પણ આ પ્રસાદ આપવામાં આવ્યો હતો.