FILE PHOTO REUTERS/Amit Dave

અમદાવાદમાં કોરોના નિયંત્રણોની વચ્ચે અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નગરચર્યા કરીને ચાર કલાકમાં સંપન્ન થઈ હતી. સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદવિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળા આરતી કરી હતી. આ પ્રસંગે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.

મંદિરથી નીકળેલી રથયાત્રા સરસપુર આવી પહોંચી હતી. જ્યાં ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું અને પછી ભગવાનને મોસાળમાંથી વિદાય આપવામાં આવી હતી. આયોજન મુજબ રથયાત્રા બપોરે 12 વાગ્યા સુધી પરત આવવાની હતી, પરંતુ નિયત સમયના એક કલાક પહેલા જ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. સવારે 10.46 વાગે પહેલો રથ જગન્નાથજીનો પરત આવ્યો ત્યાર બાદ 10.49 વાગે સુભદ્રાજીનો રથ અને ભાઈ બલરામનો રથ 10.51 વાગે મંદિરમાં પરત આવ્યો હતો. રથયાત્રા દરમિયાન લોકોએ પણ સ્વૈચ્છિક નિયમોનું પાલન કર્યું અને ઘરે રહીને જ ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લીધો હતો.

REUTERS/Amit Dave

રથયાત્રા રૂટ પરના 8 પોલીસ સ્ટેશન વિસ્તારોને કરફ્યૂ જાહેર કરવામાં આવ્યા હતો. રથયાત્રા નિજ મંદિરે પરત પહોંચી જતાં 11.30 વાગ્યા પછી આ વિસ્તારોને કરફ્યુમાથી મુક્તિ આપવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી હતી. રથયાત્રા વહેલી પૂરી થતાં 11.30 વાગ્યાથી અમદાવાદ કેટલાક વિસ્તારમાં લાગેલો કરફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે કોરોનાને કારણે ભગવાનની રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં જ ફરી હતી,

રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યા બાદ મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું હતું કે આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો છે. ભગવાન આશીર્વાદ આપે અને આપણે કોરોનાની મહામારીમાંથી જલદી બહાર આવીએ. ગુજરાત સૌથી પહેલા કોરોનામુક્ત બને તેવા પ્રકારના ભગવાન પાસે આશીર્વાદ માગીએ. આજે કચ્છીઓનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, જેમને ખૂબ ખૂબ શુભકામના.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળા આરતી કરી હતી.(PTI Photo)