અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે યોજાશે કે નહીં તે અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તે છે. શુક્રવારે ભગવાન જગન્નાથ મંદિરના દર્શનના કર્યા બાદ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થતા મંદિર ખુલી ગયા છે અને કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જ ભક્તો મંદિરમાં દર્શન કરી શકે છે. આ અંગે મંદિરના મહંત અને ટ્રસ્ટી સાથે પણ વાત થઈ છે. રથયાત્રા અંગે મુખ્યપ્રધાન રૂપાણીએ આપેલા નિવેદન મુજબ કોરોનાની સ્થિતિને જોઈને નિર્ણય કરીશું, પરંતુ જળયાત્રા પ્રોટોકોલ મુજબ થશે.
અગાઉના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ રથયાત્રા અંગે યોગ્ય સમયે નિર્ણય કરવાની જાહેરાત કરી હતી. પ્રદીપસિંહ જાડેજા ભગવાન જગન્નાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા અને મંદિરના મહંત દિલિપદાસજી મહારાજ અને ટ્રસ્ટી વચ્ચે બંધ બારણે બેઠક પણ યોજાઈ હતી.
જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણને ધ્યાને રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે. મારી જ નહિં, પરંતુ બધાની લાગણી છે કે રથયાત્રા નીકળે. જો કે જળયાત્રામાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.
પરંપરા મુજબ રથયાત્રા પહેલા જળયાત્રા યોજાય છે અને દર વર્ષે તો મોટી સંખ્યામાં સાધુ સંતો, ભક્તો જોડાતા હતા. ગયા વર્ષે પણ કોરોનાને લીધે ખૂબ જ સાદાઈથી જળયાત્રાની વિધિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે અમદાવાદમાં લગભગ દોઢ સદીથી ચાલી આવતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા ગયા વર્ષે તુટી હતી અને શહેરમાં ફરવાને બદલે રથયાત્રાને મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવી હતી.