અમદાવાદમાં આશરે બે વર્ષના સમયગાળા બાદ 1 જુલાઈએ જગન્નાથ મંદિરથી પરંપરાગત 145મી રથયાત્રા પ્રસ્થાન કરશે. રથયાત્રામાં માટે તડામાર તૈયારી ચાલુ કરવામાં આવી છે. રથયાત્રા દરમ્યાન ૨૫૦૦૦ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેનાત કરાશે. હેલિકોપ્ટર તેમજ ડ્રોનથી આકાશમાં અભેદ્ય સુરક્ષા ગોઠવાશે. બીજી તરફ જમીની સ્તર પર હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરાથી વોચ રાખવામાં આવશે. રથયાત્રાના બંદોબસ્તમાં તૈનાત જવાનો પૈકી ૨૫૦૦ને બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરાશે. આ પોલીસ જવાનો સંવેદનશીલ વિસ્તારમાં દરેક વ્યક્તિની હરકત પર બાજનજર રાખશે.
ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રાજીના રથ સિવાય ૧૦૧ સુશોભિત ટ્રક જોડાશે. આ ટ્રકનું ‘એન્ટિ સેબોટેજ ચેક’ ફરજિયાત છે. દરેક ૧૦ ટ્રક પછી એક પોલીસવાન ગોઠવાશે તેમજ GPSની મદદથી વાહનોનું લાઈવ ટ્રેકિંગ કરાશે. VHF વાયરલેસ વોકીટોકીના કુલ ૧૬ ચેનલ ઉપર સતત સંદેશાવ્યવહાર કરવામાં ચાલુ રહેશે. કારંજ, માધવપુરા, શહેરકોટડા, ખાડિયા, શાહપુર, ગાયકવાડ હવેલી, કાલુપુર, દરિયાપુર એમ કુલ ૮ પોલીસ મથકોમાં મીની કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. કોઈ ઉપદ્રવી તત્વ સોશિયલ મીડિયા થકી માહોલ બગાડવાનો પ્રયાસ ન કરે તે માટે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર અને વ્હોટ્સએપ સહિતના માધ્યમો પર ચાંપતી નજર રાખવા માટે શહેર પોલીસ સ્થાનિકોની પણ મદદ લેશે.
જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરેથી સવારે 7:05 વાગે રથયાત્રા નીકળશે. રથયાત્રા જમાલપુરથી આસ્ટોડિયા થઈ રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુરમાં ભગવાનના મોસાળમાં જતી હોય છે. જ્યારે પરત ફરતી વખતે સરસપુરથી કાલુપુર, દરિયાપુર, શાહપુર રંગીલા ચોકી, દિલ્હી ચકલા, ઘીકાંટા, પાનકોર નાકા, સાંકડી શેરીના નાકે થઈને માણેકચોક, દાણાપીઠથી ખમાસા થઈને જગન્નાથ મંદિરે પરત ફરતી હોય છે.
રથયાત્રામાં આ વર્ષે સૌ પ્રથમવાર સૌ પ્રથમવાર રથયાત્રામાં ભવ્ય રામમંદિર તેમજ જમાલપુર જગન્નાથ મંદિરની પણ ઝાંખી કરાવતી ટ્રક જોડાશે. આ ઉપરાંત અમરનાથ યાત્રાનું ટેબ્લો પણ રજૂ કરાશે. 145મી રથયાત્રામાં લોકોને ભારતીય સંસ્કૃતિ ઉપરાંત ધાર્મિક, દેશપ્રેમ અને વેશભૂષાનો ઝાંખી કરાવતી ટ્રકો જોવા મળશે.
રથયાત્રામાં 101 જેટલી ટ્રકો અને એસોસિએશનની જીપ જોડાશે. ભારતીય સંસ્કૃતિ ધાર્મિક, દેશપ્રેમ અને વેશભૂષા દર્શાવતી ટ્રકો જોડાશે. 11 ધાર્મિક, 11 શણગારેલી અને 11 વેશભૂષા દર્શાવતી ટ્રકોને ટ્રક એસોસિયેશન તરફથી ઇનામ આપવામાં આવશે. અયોધ્યામાં બનનારા રામ મંદિરની પ્રતિકૃતી માટે ફાઇબર શિટથી આખું આહેહુબ ભવ્ય મંદિર તૈયાર કરાશે. આ ઉપરાંત ભગવાન જગન્નાથની રથયાત્રા માટે રુ. 1.50 કરોડનો વીમો ઉતારવામાં આવશે. ત્રણ દિવસના આ ઉત્સવ અને રથયાત્રામાં ભાગ લેનાર લોકો માટે માસ્ક પહેરવા જરુરી છે. કોરોનાના બે વર્ષ બાદ ફરી એકવાર શહેરમાં યોજાનારી આ રથયાત્રા ભવ્ય બની રહેશે. આ રથયાત્રામાં નાસિક, ઉજ્જૈન, અયોધ્યા, હરીદ્વાર, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી 2 હજાર જેટલા સાધુસંતો રથયાત્રામાં જોડાશે.
રથયાત્રાના દિવસે પરોઢીયે 4 વાગ્યે મંગળા આરતી અને ખીચડી મહાભોગ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. સવારે 7-05 વાગ્યે રથયાત્રા મંદિરના પ્રાંગણમાંથી નીકળશે તે પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે પહિન્દ વિધિ કરવામાં આવશે. રથયાત્રાના ત્રણ દિવસના મહોત્સવમાં પહેલા દિવસ પહેલા 29મી જૂનના દિવસે સવારે 7-30 કલાકે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળદેવજીની નેત્રોત્સવ વિધિ થશે. જે બાદ ધ્વજારોણ અને મહાઆરતીનો કાર્યક્રમ રહેશે. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલ સહિત અનેક મંત્રીઓ ઉપસ્થિત રહી શકે છે. જ્યારે બીજા દિવસે 30 જૂનના રોજ સવારે 10-30 વાગ્યે ભગવાના સોનાવેષમાં શણગાર અને ષોડશોપચાર પૂજન કરવામાં આવશે.