ફુગાવાનો સામનો કરવા માટે આ સપ્તાહે અમેરિકા, યુરોપ અને યુકેમાં વ્યાજદરમાં વધારો થયો હતો. યુરોપ અને યુકેમાં વ્યાજદરમાં 0.5 ટકાનો વધારો કરાયો હતો, જ્યારે અમેરિકામાં ફેડે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો.
ઊંચા ફુગાવાને અંકુશમાં લેવા માટે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે ગુરુવાર, 2 ફેબ્રુઆરીએ વ્યાજદરમાં સતત 10મી વખત વધારો ઝીંક્યો હતો. સેન્ટ્રલ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ તેના ચાવીરૂપ વ્યાજદરને 0.5 ટકા વધીને 4 ટકા કર્યા હતા, જે 2008 પછીના સૌથી ઊંચા છે.
સેન્ટ્રલ બેન્કના જણાવ્યા અનુસાર યુકે આ વર્ષમાં મંદીમાં પ્રવેશ કરશે, પરંતુ આ મંદી અગાઉની ધારણા કરતાં ટૂંકી અને ઓછી તીવ્ર હશે. એનર્જી બિલમાં ઘટાડો અને ભાવવધારાની ગતિ ધીમી પડતા મંદી બે વર્ષની જગ્યાએ એક વર્ષ સુધી ચાલે તેવી શક્યતા છે. તેનાથી કેટલાંક લોકોએ નોકરી ગુમાવવી પડશે.
યુકેમાં ફુગાવો હાલમાં 40 વર્ષના ઊંચા સ્તરે છે. ફુગાવો સામાન્ય રીતે હોવો જોઇએ તેના કરતાં પાંચ ગણા ઊંચા સ્તરે છે. બેન્કે સંકેત આપ્યો હતો કે વ્યાજદર હવે ટોચની નજીક આવી ગયા છે. આનો અર્થ એવો થાય છે કે જો ફુગાવો ઊંચા સ્તરે રહેશે તો જ બેન્ક તેના વ્યાજદરમાં વધુ વધારો કરશે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઇલીએ જણાવ્યું હતું કે ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો હોય તેવું લાગે છે, પરંતુ હજુ મોટું જોખમ છે, જેનાથી અર્થતંત્ર પર અસર ચાલુ રહેશે.
બીજી તરફ યુરોપિયન સેન્ટ્રલ બેન્ક (ઇસીબી)એ પણ વ્યાજદરમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. યુરોપમાં પણ વ્યાજદરો 2008 પછીની સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે. ઇસીબીએ જણાવ્યું હતું કે ઇસીબીને વ્યાજદરમાં વધુ વધારો થવાની ધારણા છે. તે માર્ચમાં વ્યાજદરમાં 0.5 ટકાનો વધારો કરે તેવી શક્યતા છે. 20 દેશોના આ યુરો ઝોનમાં ફુગાવો જાન્યુઆરીમાં 8.5 ટકા રહ્યો હતો, જે બેન્કના 2 ટકાના ટાર્ગેટ કરતાં ઘણો ઊંચો છે. .
અમેરિકાની ફેડરલ રિઝર્વે બુધવારે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. ફેડે જણાવ્યું હતું કે ફુગાવા સામેની લડાઈમાં સફળતા મળી રહી હોય તેવું લાગે છે.