ન્યૂયોર્ક રાજ્યના બફેલોમાં એક સુપરમાર્કેટમાં શનિવારે આડેધડ ગોળીબારમાં 10 લોકોના મોત થયા હતા અને બીજા ત્રણ ઘાયલ થયા હતા. ઓથોરિટીએ આ ઘટના રેસિસ્ટ હોવાનું કહ્યું હતું. ફાયરિંગનો શિકાર બનેલા 13માંથી 10 લોકો અશ્વેત હતા.
18 વર્ષના એક યુવક ઉપર ગોળીબારનો આરોપ છે અને તેને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેની ધરપકડ કરાઈ હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, શ્વેત યુવકે રેસિસ્ટ માનસિકતાથી પ્રેરિત થઈને અશ્વેતો પર ગોળીબાર કર્યો હતો. આરોપીએ ફાયરિંગનું લાઈવસ્ટ્રીમિંગ પણ કર્યું હતું. બફેલો સિટી પોલીસ કમિશનર જોસેફ ગ્રામાગ્લિઆએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હેલ્મેટ અને ગિયર પહેરેલા બંદૂકધારીની હત્યાકાંડ પછી ધરપકડ કરાઈ છે.
હત્યારાએ પોતાના ધિક્કારના એજન્ડામાં ખાસ તો યુકેમાં લંડનના મેયર સાદિક ખાનને લક્ષ્ય બનાવી ઉડાવી દેવાનો પોતાના જેવી વિચારસરણી ધરાવતા લોકોને અનુરોધ કર્યો હતો. ગ્રામાગ્લિયાએ કહ્યું કે, બંદૂકધારીએ પહેલા ટોપ્સ સુપરમાર્કેટની પાર્કિંગમાં 4 લોકોને ગોળી મારી હતી જેમાંથી ત્રણનાં મોત થયા હતા. એ પછી તેણે માર્કેટમાં અંદર જઈને પણ ગોળીબાર કર્યો હતો. સ્ટોરની અંદર માર્યા ગયેલા લોકોમાં સશસ્ત્ર સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા એક નિવૃત્ત પોલીસ અધિકારી પણ સામેલ હતા.
પોલીસ કમિશનર ગ્રામાગ્લિયાએ જણાવ્યું હતું કે, સુપરમાર્કેટના ગાર્ડે શંકાસ્પદ બંદૂકધારીને ફસાવવા માટે ઘણી ગોળી ચલાવી હતી પરંતુ બંદૂકધારીએ બખ્તર પહેર્યું હોવાના કારણે સુરક્ષિત હતો અને ગાર્ડને ગોળી મારી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપી વ્યક્તિએ કુલ 13 લોકો પર ગોળીબાર કર્યો હતો જેમાંથી 11 અશ્વેત હતા.
ફેડરલ એજન્ટ્સે આ આરોપનીના માતાપિતાની પૂછપરછ કરી હતી અને સંખ્યાબંધ સર્ચ વોરંટ જારી કર્યા હતા. ફેડરલ ઓથોરિટી 180 પેજના એક ઘોષણાપત્ર ખરાઈ પણ કરી રહી છે.
ઓનલાઇન પોસ્ટ કરાયેલા ઘોષણાપત્રમાં આ હુમલાની વિગતો છે. આ હુમલો પેટોન ગેન્ડ્રોન નામના યુવકે કર્યો હતો. ઓથોરિટીએ જણાવ્યું હતું કે આ હત્યાકાંડ વંશિય ધિક્કારની માનસિકતાથી પ્રેરિત હતું. પ્રાથમિક તપાસ મુજબ શ્વેત લોકોની સર્વોપરિતાની વિચારસણી ધરાવતા અને વંશવાદી કાવતરાના એક ભાગરૂપે હુમલાખોરે આ સ્થળની વારંવાર મુલાકાત લીધી હતી.
સેનેટમાં બહુમતિ ધરાવતા પક્ષના નેતા ચક શુમરે કહ્યું હતું કે અમે બફેલોના લોકોની સાથે છીએ. તેમણે રેસિઝમને અમેરિકાનું ઝેર ગણાવતા કહ્યું હતું કે, પ્રેસિડેન્ટ જો બાઈડેને આ રેસિસ્ટ હુમલાને વખોડી કાઢતાં કહ્યું હતું કે, આવા હેટ ક્રાઈમ અમેરિકાના આત્મા ઉપર લાગેલો કલંક છે. તેઓએ દેશના લોકોને અનુરોધ કર્યો હતો કે, સૌએ આવી ધિક્કારની ભાવનાનો ત્યાગ કરવો જોઈએ. આપણા સૌના હૃદય ભારે થઈ ગયા છે, પણ આપણે દ્રઢનિર્ધારમાંથી જરાય વિચલિત થવું જોઈએ નહીં. આપણે આ ધિક્કારનો સામનો કરવો જોઈએ.
બફેલોના લોકોએ અંજલિ આપી: શોકગ્રસ્ત બફેલોના લોકો રવિવારે હત્યાકાંડમાં માર્યા ગયેલાઓને અંજલિ આપવા સ્ટોરની બહાર એકત્ર થયા હતા. વેસ્ટર્ન ન્યૂ યોર્કના પોલિસ કમિશનર ગ્રામાગ્લિઆએ હત્યારાની વિગતો આપતાં કહ્યું હતું કે, કોન્ક્લિનનો રહેવાસી હત્યારો પોતાના ગામથી છેક 200 માઈલ (322 કિ.મી.) દૂર બફેલો પોતાના ઘૃણાસ્પદ એજન્ડા પાર પાડવા આવ્યો હતો. તેની કારમાં એક રાઈફલ અને શોટગન પણ હતી. ન્યૂ યોર્કના ગવર્નર કેથી હોચુલ અને રાજ્યના એટર્ની જનરલ લેટિટીઆ જેમ્સે એક ચર્ચ સર્વિસમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, હત્યારાએ મિલિટરી સ્ટાઈલથી હત્યાકાંડ કર્યો હતો અને રેસિસ્ટ લાગણીઓ તો સમાજમાં જંગલની આગની માફક ઝડપથી અને ચોતરફ ફેલાઈ રહી છે, ખાસ કરીને ઓનલાઈન. લેટિટીઆ જેમ્સે આ હત્યાકાંડને ઘરઆંગણાનો ત્રાસવાદ ગણાવ્યો હતો. બેથેલ બેપ્ટિસ્ટ ચર્ચના અનુયાયીઓને સંબોધનમાં સેનેટરે અનુરોધ કર્યો હતો કે, આપણે સૌએ સાથે મળી આપણી શેરીઓમાં બેફામ રીતે વપરાતા શસ્ત્રોને – ગન્સને પ્રતિબંધિત જાહેર કરવા જોઈએ.