આઈપીએલ 2022માં મહિનાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં મુંબઈ અને ચેન્નઈની ટીમો પોઈન્ટ્સ ટેબલમાં હજી તળિયે જ રહી છે, તો એકાદ દિવસને બાદ કરતાં ગુજરાતની ટીમ ફક્ત એક પરાજય સાથે પ્રથમ ક્રમે યથાવત રહી છે. ગુજરાતની સાથે જ આ વર્ષે નવી જોડાયેલી લખનૌની ટીમે પણ ફરી પાછું બીજું સ્થાન હાંસલ કરી લીધું છે. કોલકાતા માટે પણ હવે પ્લે ઓફ્સમાં પહોંચવાનું ખૂબજ મુશ્કેલ જણાય છે, તે નીચેથી છેક ચોથા ક્રમે છે.
સોમવારની મેચમાં કોલકાતાએ પોતાની સતત પાંચ હારના સિલસિલાનો અંત લાવતા રાજસ્થાનને સાત વિકેટે હરાવ્યું હતું. સુકાની શ્રેયસ ઐયરે ટોસ જીતી પહેલા રાજસ્થાનને બેટિંગમાં ઉતાર્યું હતું અને તેનું આ સાહસ સફળ પણ રહ્યું હતું. પહેલી વિકેટ સસ્તામાં ખેરવ્યા પછી કોલકાતાના બોલર્સે રાજસ્થાનના બેટર્સને બરાબર કાબુમાં રાખતા સંજુ સેમસનની ટીમ 20 ઓવર્સમાં પાંચ વિકેટે ફક્ત 152 રન કરી શકી હતી. સેમસનના 54 રન સિવાય કોઈ બેટર 30 સુધી પહોંચી શક્યો નહોતો. કોલકાતાને છઠ્ઠા બોલરને અજમાવવાની જરૂર જ પડી નહોતી. બે વિકેટ લઈ સૌથી સફળ રહેલા ટીમ સાઉથીએ જો કે સૌથી વધારે, 46 રન આપ્યા હતા. તેના સિવાય બીજા કોઈ બોલરે 33 રનથી વધુ આપ્યા નહોતા. ઉમેશ યાદવે તો એક ઓવર મેઈડન પણ કરી હતી, જ્યારે સુનિલ નરિને સૌથી ઓછા, ચાર ઓવર્સમાં ફક્ત 19 રન આપ્યા હતા.
જવાબમાં કોલકાતાની ઈનિંગની શરૂઆત તો નબળી રહી હતી, પણ શ્રેયસ ઐયર – નિતિશ રાણાએ ત્રીજી વિકેટની અને પછી રાણા – રીન્કુ સિંઘે ચોથી વિકેટની અણનમ ભાગીદારીમાં ટાર્ગેટ હાંસલ કરી લઈ છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટે 158 કર્યા હતા. ઐયરે 34, રાણાએ અણનમ 48 અને પ્લેયર ઓફ ધી મેચ રીન્કુ સિંઘે અણનમ 42 રન કર્યા હતા.
રાજસ્થાનના સુકાની સંજુ સેમસને પીચ પર ટકી રહેવા માટેના સંઘર્ષ સાથે ૪૯ બોલમાં ૫૪ રન કર્યા હતા. એ પછી છેલ્લે છેલ્લે હેટમાયરે ૧૩ બોલમાં ૨૭ રન કરી ટીમને સંતોષકારક સ્થિતિમાં લાવી દીધી હતી, જો કે એ પણ સરવાળે ઓછો સ્કોર સાબિત થયો હતો.
રાજસ્થાન તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ના સૌથી મોંઘા બોલર રહ્યો હતો, તેણે ચાર ઓવરમાં 37 રન આપી એક વિકેટ લીધી હતી, તો ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં ફક્ત 25 રન આપી એક વિકેટ લઈ સૌથી ઓછા રન આપ્યા હતા.
આ પરાજય છતાં રાજસ્થાન રોયલ્સ હજી પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે અને બાકીની મેચમાં બહુ ખરાબ દેખાવ ના કરે તો પ્લે ઓફ્સમાં પહોંચવામાં તેને વાંધો આવે નહીં તેવું લાગે છે.