લંડનમાં યુવતીઓને મસાજ પાર્લરમાં નોકરી આપવાની લાલચ આપી તેમના પર બળાત્કાર કરનાર લંડન રોડ, લુટનના 50 વર્ષના રઘુ સિંગામાનેનીને શુક્રવાર, 16 જૂનના રોજ વુડ ગ્રીન ક્રાઉન કોર્ટમાં 18 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ચાર મહિલાઓને સંડોવતા બળાત્કાર અને જાતીય હુમલા અંગે કોર્ટમાં ટ્રાયલ પછી તાને 31 માર્ચે સર્વસંમતિથી દોષી ઠેરવવામાં આવ્યો હતો.
કોર્ટને જણાવાયું હતું કે સિંગામાનેની હોલોવે રોડ, ઇસ્લિંગ્ટન અને હાઇ રોડ, વુડ ગ્રીન પર બે મસાજ પાર્લર ચલાવે છે. તે જોબ્સ એપ પર પાર્લર માટે નોકરીની જાહેરાત કરતો હતો અને મહિલાઓને મળવા માટે એપોઇન્ટમેન્ટ લઇ જાતીય હુમલો કરતો હતો. તેની પ્રથમ પીડિતા 17 વર્ષની હતી. પાર્લરમાં જરૂરી તાલીમ બાદ બીજા દિવસે પાર્લરમાં સિંગામાનેનીને મળી ત્યારે તેણે વાઇન આપ્યો હતો. તે પછી યુવતીને નશો થયા બાદ સિંગામનેની તેણીને એક હોટેલમાં લઈ ગયો હતો અને બળાત્કાર કરવાનો પ્રયાસ કરી જાતીય હુમલો કર્યો હતો. બે અઠવાડિયા પછી પીડિતાની ફરિયાદમા આધારે પોલીસે સિંગામાનેનીની ધરપકડ કરી જામીન પર છોડ્યો હતો. રધુએ આજ રીતે હાઈ રોડ, N22ના પાર્લરમાં 19-વર્ષીય મહિલા પર અને અન્ય 23 વર્ષીય મહિલા પર ગોલ્ડર્સ ગ્રીનની એક હોટલમાં દારૂ પીવડાવી બળાત્કાર ગુજાર્યો હતો.