યુકેમાં બધા અખબારોની હેડલાઇન્સ બનેલા આઘાતજનક કેસમાં ભારતીય મૂળના જજે મંગળવારે સ્કોટલેન્ડ યાર્ડના પોલીસ અધિકારી અને સીરીયલ રેપિસ્ટ ડેવિડ કેરિકને ફરજના 17 વર્ષના સમયગાળામાં એક ડઝન મહિલાઓ સામે હિંસક અને ઘાતકી જાતીય ગુનાઓ માટે દોષિત ઠેરવી 36 આજીવન કેદની સજા ફટકારી છે.

લંડનની સધર્ક ક્રાઉન કોર્ટમાં સજાની સુનાવણીની અધ્યક્ષતા કરતા જસ્ટિસ પરમજીત કૌર “બોબી” ચીમા-ગ્રુબે 48 વર્ષીય બળાત્કારી ડેવિડ કેરિકને પેરોલ પર છોડવા માટે વિચારણા કરતા પહેલા ઓછામાં ઓછા 30 વર્ષ જેલના સળિયા પાછળ રહેવાનો આદેશ આપ્યો હતો.

જજે ડેવિડને કહ્યું હતું કે ‘’તેં નૈતિક ભ્રષ્ટાચારની આશ્ચર્યજનક ડિગ્રી દર્શાવી છે અને આગળ આવવા માટે તમામ પીડિતોની હિંમતની પ્રશંસા કરૂ છું. લોકોના વિશ્વાસનો ભંગ કરીને તમારી સાથે સંકળાયેલી સ્ત્રીઓનો ભયંકર લાભ લીધો હતો. તમે બેશરમપણે ઘણી સ્ત્રીઓ પર બળાત્કાર અને જાતીય હુમલા કર્યા હતા. તેમાંની કેટલીક સ્ત્રીઓને તો તમે ભાગ્યે જ જાણતા હતા. તને હતું કે કોઇ તમને અડકી શકે તેમ નથી. તને વિશ્વાસ હતો કે કોઈ પણ પીડિત મહિલા શરમ અને ડરને કારણે તમારી સામે ફરિયાદ કરશે નહિં.

યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને ડેવિડના ગુનાઓ પોલીસ દળ પર “ડાઘ” હોવાનું કહ્યું હતું. “તે આટલા લાંબા સમય સુધી યુનિફોર્મ કેવી રીતે પહેરી શક્યો તે અમે ઉજાગર કરીએ તે મહત્વપૂર્ણ છે.  તેના અધમ દુર્વ્યવહાર માટે ફરિયાદ કરવા આગળ આવેલી બહાદુર મહિલાઓને હું સલામ કરૂ છું.”

ડેવિડે કસ્ટડીમાં હતો ત્યારે આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. ડેવિડે બળાત્કારના 24 કાઉન્ટ અને નિયંત્રણ અને બળજબરીભરી વર્તણૂક, જાતીય હુમલો અને ખોટી કેદના વધુ કાઉન્ટ સહિત 12 મહિલાઓ સામેના 49 ગુનાઓ માટે દોષીત હોવાનું કબૂલ્યું હતું. આરોપો જાહેર થયા બાદ તેને ગયા મહિને મેટ પોલીસમાંથી કાઢી મૂકાયો હતો.

ડેવિડે 2003થી 2020 સુધીના સમયમાં મોટે ભાગે ઇંગ્લેન્ડના હર્ટફર્ડશાયરમાં આ ગુનાઓ આચર્યા હતા જ્યાં તે રહેતો હતો.

LEAVE A REPLY