અલગ અલગ મહિલાઓનું ‘રેપ લિસ્ટ’ બનાવીને 121 જેટલી યુવતીઓનો પીછો કરનાર સાઉથ લંડનના ક્રોયડનના શર્લી ખાતે રહેતા વિશાલ વિજાપુરા નામના યુવાનને ક્રોયડન ક્રાઉન કોર્ટે બે વર્ષ અને આઠ મહિનાની જેલ કરી છે. તેને સેક્સ્યુઅલ હાર્મ ડીસોર્ડરના રજીસ્ટરમાં પાંચ વર્ષ માટે મૂકવામાં આવ્યો છે. તેને અગાઉ હિંસાના ડરને સંડોવતા પીછો કરવાના સાત ગુના માટે દોષિત ઠરાવાયો હતો.
જાન્યુઆરી 2021માં, લંડનની મેટ પોલીસને વિજાપુરાએ ભોગ બનેલા લોકોની અંગત વિગતો ધરાવતી ઓનલાઈન પ્રકાશિત કરેલી યાદી સાંપડી હતી. તેણે મહિલાઓ પર કરાતા બળાત્કારને વાજબી ઠેરવવાનો પ્રયાસ કરતો એક નાનો નિબંધ પણ લખ્યો હતો. બાદમાં પોલીસે આદરેલી સઘન તપાસમાં વધુ લોકો તેનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું હતું.
વિજાપુરાએ લોકોના અંગત સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સમાંથી તેમની તસવીરો લીધી હતી અને તેને પ્રકાશિત કરી જણાવ્યું હતું કે પીડિતોએ જાતીય સંતુષ્ટિનો આનંદ માણ્યો હતો. તેમની સામે ગંભીર જાતીય હિંસા આચરવા માટે લોકોને પ્રોત્સાહિત કરતી તેમની અંગત વિગતો સાથેની ઓનલાઇન પોસ્ટ પણ કરી હતી. વિજાપુરાએ ભોગ બનેલા ઘણા લોકોને જાતીય વિષયો સાથે અધમ અને ભયાનક માહિતી ધરાવતા સંદેશાઓ મોકલ્યા હતા.
વિજાપુરાએ ભોગ બનેલા લોકોના નામ અને સરનામા મેળવવા માટે ઓનલાઈન સર્વિસીસને નાણાં ચૂકવ્યા હતા. કેટલાક કેસોમાં તો તેણે એન્સેસ્ટરી વેબસાઇટ્સને પરિવારોની વિગતો મેળવવા નાણાં ચૂકવ્યા હતા.
ગયા વર્ષે 28 જાન્યુઆરીના રોજ વિજાપુરાની ધરપકડ કરાઇ હતી. જેમાં તેનો શરતી જામીન પર છૂટકારો થયો હતો. પણ તેણે જામીનની શરતોનો ભંગ કરીને ફરીથી એવા જ કામો કરતા તેની 19 માર્ચના રોજ નવા ગુના સંબંધે ધરપકડ કરાઇ હતી.
લોકો વિજાપુરાએ આપેલી ધમકીઓ બાદ એકલા બહાર નીકળવાથી ખૂબ ડરતા હતા. આ કેસમાં ભોગ બનેલા લોકોએ આગળ આવીને માહિતી આપી ખૂબ જ હિંમત બતાવી હતી.