મિલ્ટન કિન્સના એમર્સન વેલીના બેર્સફોર્ડ ક્લોઝ ખાતે રહેતા 46 વર્ષના અનિલ ગીલને પત્ની રણજીત ગીલની હત્યાના આરોપસર તા. 3ના રોજ મિલ્ટન કિન્સ મેજીસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયો હતો. કોર્ટે કહ્યું હતું કે જામીન માટેની કોઈ અરજી કરવામાં આવી નથી અને સુનાવણી માટેની તારીખ આ વર્ષે ઓગસ્ટ માસમા રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તા. 31ને રવિવારે સવારે 43 વર્ષીય રણજીત ગીલની લાશ શરીરને “નોંધપાત્ર ઇજાઓ” સાથે તેમના ઘરમાંથી મળી આવતા અનિલની ધરપકડ કરવામાં આવી હતી. થેમ્સ વેલી પોલીસે જણાવ્યું હતું કે તેના પરિવારને ટેકો આપવામાં આવી રહ્યો છે. અનિલ અને રણજીત તેમના £300,000ના ઘરમાં પરિવાર સાથે રહેતા હતા. પોલીસે નજીકના ઘરોમાં રહેતા લોકોની પૂછપરછ હાથ ધરી હતી. એક પાડોશીએ કહ્યું હતું કે ‘’તેઓ અહીં લગભગ 15 વર્ષથી રહેતા હતા પરંતુ હું તેમના નામ જાણતો નથી.’’
થેમ્સ વેલી પોલીસના મેજર ક્રાઈમ યુનિટના ડિટેક્ટીવ સુપરિન્ટેન્ડન્ટ જસ્ટિન ફલેચરે જણાવ્યું હતું કે ‘’તા. 31ને રવિવારે સવારે 10.10 કલાકે પોલીસને ઘરે બોલાવવામાં આવી હતી અને મહિલાના મોત બાદ હત્યાની તપાસ શરૂ કરાઇ છે. અમારી લાગણી આ મુશ્કેલ સમયે તેમના પરિવાર સાથે છે. અમે અમારી તપાસના ખૂબ જ પ્રારંભિક તબક્કામાં છીએ; જો કે આ સમયે અમે માનીએ છીએ કે આ એક અલગ ઘટના છે અને હત્યાની શંકાના આધારે અમે એક વ્યક્તિની ધરપકડ કરી છે. અમે ઘરે ઘરે પૂછપરછ કરી રહ્યા છીએ અને માહિતી ધરાવતા સૌને અપીલ કરીએ છીએ કે તેઓ 101 નંબર પર ફોન કરીને 43210042051 રેફરન્સ નંબર આપી માહિતી આપે અથવા ફોન નંબર 0800 555 111 ઉપર ચેરિટી સંસ્થા ક્રાઈમસ્ટોપર્સને નનામો ફોન કરી શકે છે.’’