
ભારતીય મહિલા ટીમની કેપ્ટન રાની રામપાલે પ્રતિષ્ઠિત ‘વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર’ પુરસ્કાર ગયા સપ્તાહે પ્રાપ્ત કર્યો હતો. આ પુરસ્કાર મેળવનારી તે વિશ્વની પ્રથમ હોકી ખેલાડી છે. ભારતીય હોકી ટીમની સુપરસ્ટાર રાની વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર 2019 તરીકે પસંદગી પામી છે’. રાની 199,477 વોટ મેળવી વિજેતા બની છે.
20મી જાન્યુઆરી વિશ્વભરના રમત પ્રેમીઓએ પોતાના પસંદગીના ખેલાડી માટે મતદાન કર્યું હતું. કુલ 705,610 મત અપાયા હતા.
પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ થયેલી રાનીએ કહ્યું, ‘હું આ પુરસ્કાર હોકી સમુદાય, મારી ટીમ અને દેશને સમર્પિત કરુ છું. આ સફળતા હોકી પ્રેમીઓ, પ્રશંસકો, મારી ટીમ, કોચ, હોકી ઈન્ડિયા, મારી સરકાર, બોલીવુડના મિત્રો, સાથી ખેલાડીઓ અને દેશવાસીઓના પ્રેમ અને સમર્થનથી સંભવ બન્યું છે.
‘એફઆઈએચનો મને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે નોમિનેટ કરવા બદલ વિશેષ આભાર. વર્લ્ડ ગેમ્સ ફેડરેશનનો પણ આ સન્માન માટે તેણે આભાર માન્યો હતો. આ પુરસ્કાર માટે 25 ખેલાડીઓને નોમિનેટ કરાયા હતા. એફઆઈએચે રાનીના નામની ભલામણ કરી હતી.’
