ચીન સહિત વિશ્વના અન્ય કેટલાંક દેશોમાં કોરોના વાયરસના કેસમાં ફરીથી થઈ રહેલા ચિંતાજનક વધારાને ધ્યાનમાં રાખીને ભારતના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ દેશની આરોગ્ય વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આરોગ્ય પ્રધાને લોકોને આ મહામારીથી બચવા માટે માસ્ક પહેરવાની, વેક્સિન લેવાની તથા કોરોનાના નિવારણ માટેની અન્ય માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ચીન અને અન્ય દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોનું એરપોર્ટ પર રેન્ડમ સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવશે.
ભારતમાં ઓમિક્રોન સબ-વેરિઅન્ટના ચાર કેસ મળ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 ડિસેમ્બરે એક બેઠકમાં ભારતમાં કોવિડ પરિસ્થિતિની સમીક્ષા કરશે.
દરમિયાન ચીનમાં જેનો હાહાકાર છે તે ઓમિક્રોન સબવેરિયન્ટ BF.7ના ભારતમાં એક પણ એક્ટિવ કેસ નથી. ચાર કેસ જૂના છે. જે પૈકી ગુજરાતમાં ત્રણ અને એક ઓડિશમાં નોંધાયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કોવિડ હજી સમાપ્ત થયો નથી. મેં તમામ સંબંધિત લોકોને સજાગ રહેવા અને દેખરેખને મજબૂત કરવા નિર્દેશ આપ્યો છે. અમે કોઈ પણ પરિસ્થિતિને સંભાળવા માટે તૈયાર છીએ. આરોગ્ય નિષ્ણાતો અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં યોજાયેલી આ બેઠક દરમિયાન માંડવિયાને કોવિડ-19ની વૈશ્વિક સ્થિતિ અને સ્થાનિક સ્તરે તંત્રની સજ્જતા સહિતની પરિસ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી હતી.
પ્રીકોશન ડોઝ માટે યોગ્યતા ધરાવતા પૈકીના દેશના માત્ર 27-28 ટકા લોકોએ જ કોવિડ-19નો બુસ્ટર ડોઝ લીધો હોવાનો ઉલ્લેખ કરતાં નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડો.વી કે પોલે બેઠક બાદ જણાવ્યું હતું કે લોકોએ શક્ય એટલા વહેલી તકે વેક્સિન લેવી જોઈએ તથા ભીડભાડવાળી જગ્યાઓ પર માસ્ક પણ પહેરવું જોઈએ. કોરોનાની સ્થિતિ પર નજર રાખવા માટે સરકાર આગામી સપ્તાહે ફરી બેઠક યોજશે.
ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા વિશ્વના કેટલાક દેશોમાં કોવિડ -19 ના કેસની વધતી જતી સંખ્યા દ્વારા ઊભા થયેલા પડકાર તરફ ધ્યાન દોરતા માંડવિયાએ, ખાસ કરીને આગામી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને કોવિડ -19 ના નવા અને ઉભરતા સ્ટ્રેઈન્સ સામે તૈયાર રહેવાના અને સચેત રહેવાના મહત્વ પર ભાર મુક્યો હતો.
આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં રાજ્યો /કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપી કોવિડ -19 પોઝિટિવ કેસના તમામ સેમ્પલ દૈનિક ધોરણે ઇન્સાકોગ જિનોમ સિક્વન્સિંગ લેબોરેટરીઝ (આઇજીએસએલ) ને મોકલવામાં આવે, જેથી જો કોઈ નવા વેરિઅન્ટ જણાય તો તેની જાણ થઈ શકે.
સમીક્ષા બેઠક દરમિયાન રજૂ કરાયેલા એક પ્રેઝન્ટેશનમાં ભારતમાં 19 ડિસેમ્બર, 2022 ના રોજ પૂરા થયેલાં સપ્તાહમાં સરેરાશ દૈનિક કેસ ઘટીને 158 થયા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જો કે, છેલ્લાં છ સપ્તાહથી વૈશ્વિક દૈનિક સરેરાશ કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેમાં 19 ડિસેમ્બર, 2022 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 5.9 લાખ દૈનિક સરેરાશ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના નિવેદનમાં જણાવ્યાં અનુસાર, ચીનમાં કોવિડના ચેપના વ્યાપક ઉછાળા પાછળ ઓમિક્રોન વેરિઅન્ટનો નવો અને અત્યંત ટ્રાન્સમિસિબલ બીએફ.7 સ્ટ્રેન જવાબદાર છે.
કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને તમિલનાડુમાં કોરોનાના નવા કેસો સૌથી વધુ હોવાની માહિતી બેઠકમાં અપાઈ હતી. જોકે દેશમાં એકંદર કોવિડ કેસલોડમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 20 ડિસેમ્બર, 2022 ના રોજ નોંધાયેલા દૈનિક નવા કેસોમાં આ પાંચ રાજ્યોમાં 84 ટકા હિસ્સો હતો.