બ્રિટીશ એશિયન ટ્રસ્ટની કોવિડ-19 ઇમરજન્સી અપીલને પગલે મોર્નીંગસાઇડ ફાર્માસ્યુટિકલના સંચાલકો ડૉ. નિક કોટેચા, OBE અને તેમના ધર્મપત્ની મોની કોટચાએ પોતાના રેંડલ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા £500,000નું દાન કરી ભારતના 15 રાજ્યોમાં કોવિડ-19 રોગચાળાથી પ્રભાવીત સંવેદનશીલ અને લઘુમતી સમુદાયોના 130,000થી વધુ લોકોના જીવન બચાવવા તાત્કાલિક રાહત આપી છે.
HR પ્રિન્સ ઑફ વેલ્સ દ્વારા સ્થાપિત અગ્રણી આંતરરાષ્ટ્રી
ય સખાવતી સંસ્થા બ્રિટિશ એશિયન ટ્રસ્ટ પહેલાથી જ વિશ્વના 27% ગરીબ વસ્તી ધરાવતા સાઉથ એશિયન દેશોમાં વસતા અને દિવસના $2.5થી ઓછી આવકમાં જીવતા 750 મિલિયન ગરીબ અને નિર્બળ લોકોને જીવન અથવા મૃત્યુની પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરે છે. ભારતમાં 400 મિલિયન જેટલા રોજમદાર કામદારોએ તેમની આજીવિકા ગુમાવી છે. કોઈ પણ પ્રકારની આવક અને બચત ન હોવાના કારણે, તેઓ અને તેમના પરિવારો અસ્તિત્વ માટેની લડતનો સામનો કરી રહ્યા હતા.
આ માટે ગરવી ગુજરાત દ્વારા પ્રકાશીત એશિયન રીચ લીસ્ટમાં સમાવાયેલા અને મોર્નીંગસાઇડ ફાર્માસ્યુટિકલના સંચાલકો ડૉ. નિક કોટેચા, OBE અને તેમના ધર્મપત્ની મોની કોટચાએ પોતાના રેંડલ ચેરિટેબલ ફાઉન્ડેશન થકી ઇમરજન્સી કીટની જોગવાઈ માટે £500,000થી વધુનું દાન આપ્યું હતું. જેને પરિણામે, રેંડલ ફાઉન્ડેશન, બ્રિટીશ એશિયન ટ્રસ્ટ અને સ્થાનિક ડિલિવરી ભાગીદારો જાન સહ્સ અને ગુંજ સાથે મળીને, 15 રાજ્યોના દૂરના ગામડાઓ અને સમુદાયોના કેટલાક સૌથી સંવેદનશીલ વ્યક્તિઓને મદદ કરવામાં સક્ષમ થયા છે. જૂન અને નવેમ્બર 2020ની વચ્ચે આવશ્યક ખોરાક અને હાઇજીન પ્રોડક્ટ્સ ધરાવતી ઇમરજન્સી કીટ્સનું 27,500થી વધુ પરિવારોને વિતરણ કરી 137,000થી વધુ લોકોનો જીવ બચાવ્યો હતો.
બ્રિટીશ એશિયન ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ હકસે કહ્યું હતું કે ‘’રેંડલ ચેરિટેબલ ફાઉન્ડેશનની ઉદારતા અને તેના સ્થાપક ટ્રસ્ટીઓ ડૉ. નિક અને મોની કોટેચાના સમર્પણ અને સ્થળ પર હાજર અમારા ભાગીદારોની કુશળતા બતાવે છે કે સહયોગ દ્વારા શું પ્રાપ્ત કરી શકાય છે. બ્રિટીશ એશિયન સમુદાયના સભ્યો દ્વારા તાત્કાલિક જરૂરિયાતમંદોને ટેકો આપવા માટે કેન્દ્રિત કાર્યવાહીનું આ એક અદભૂત ઉદાહરણ છે અને તે માટે અમે તેમના ખૂબ આભારી છીએ’’.
રેંડલ ચેરિટેબલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. નિક કોટેચા, ઓબીઇએ જણાવ્યું હતું કે ‘’યુકે અને વૈશ્વિક સ્તરે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા અને તેમનો જીવ બચાવવા માટે આ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. કોવિડ-19 એ સૌથી ગરીબ અને સૌથી વધુ વંચિત સમાજમાં અસર કરી છે, અને યુકેમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે જીવન બચાવવા માટેના પ્રોજેક્ટ્સને ભંડોળ અર્પણ કરી અમે રોગચાળા દરમિયાન આ જૂથોને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે. રોગચાળાના પ્રારંભિક તબક્કે, લાખો લોકો અચાનક નોકરીઓ, સલામતી કે આવકનો સ્રોત ગુમાવતા અમે ભારતમાં પડકારોનો સામનો કરવા માગતા હતા. અમારા વિશ્વસનીય ભાગીદાર બ્રિટીશ એશિયન ટ્રસ્ટ અને સાથેની સંસ્થાઓ દ્વારા આશ્ચર્યજનક કામ કરાયું તે અદભૂત છે. આટલા લોકોને ટેકો આપતા અમને આનંદ થાય છે.’’