છેલ્લી ચાર પેઢીથી બોલીવૂડમાં દબદબો ધરાવનાર કપૂર ફેમિલીના રણબીર કપૂરે નવી પેઢીના અભિનેતાઓમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. ફિલ્મ સાથે સંકળાયેલા દરેક મહત્ત્વના પાસાને નજીકથી ઓળખનારા રણબીર કપૂર પોતે પણ બૉયકોટ ટ્રેન્ડનો ભોગ બની ચૂક્યા છે. બોલીવૂડ અત્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે તેના સંભવિત કારણો અંગે વાત કરતાં રણબીરે કહ્યું હતું કે, દર્શકોને સમજવામાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સદંતર નિષ્ફળ રહી છે.
ચાહકો સાથે વર્ચ્યુઅલ ચર્ચા દરમિયાન રણબીરે કહ્યું હતું કે, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી થોડી અસમંજસમાં લાગે છે અને છેલ્લા વીસેક વર્ષથી તેના પર પશ્ચિમી સંસ્કૃતિનો ઊંડો પ્રભાવ જોવા મળે છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી દર્શકોને જરા પણ સમજતી હોય તેવું લાગતું નથી. વેસ્ટર્ન ફિલ્મ્સ, રીમીક્સ અને વેસ્ટર્ન કલ્ચરથી આ ઈન્ડસ્ટ્રી અંજાઈ ગઈ છે. રણબીર કપૂર સામે નેપોટિઝમની પ્રોડક્ટ હોવાના દાવા અનેક વાર થઈ ચૂક્યા છે. રણબીરે નેપોટિઝમ અંગે વાત ન હતી કરી, પરંતુ સ્વીકાર્યું હતું કે, ઈન્ડસ્ટ્રીમાં નવી પેઢીની ટેલેન્ટને લાયકાત મુજબની તક મળતી નથી.
નવી સ્ટોરી માટે બિઝનેસમાં નવા વિચારોની જરૂર હોય છે. અત્યારે ઓછા એક્ટર્સ અને એક્ટ્રેસને તક મળી રહી છે અને નવા લોકો માટે ઘણી મર્યાદિત તકો છે. આ સ્થિતિમાં ફેરફાર માટે નવા ડાયરેક્ટર્સ અને નવા વિચારોની જરૂર છે. નવી માનસિકતાને સ્થાન મળશે તો નવી સ્ટોરી આવશે અને પરિવર્તન ઝડપી બનશે. રણબીર કપૂર પણ તેના પિતા રિશિ કપૂરની જેમ સ્પષ્ટ બોલવા માટે જાણીતો છે. રણબીરે આડકતરી રીતે બોલિવૂડમાં ચોક્કસ લોબી કે જૂથનું વર્ચસ્વ હોવાનું સ્વીકાર્યું હતું. રણબીર કપૂર છેલ્લે તુ જૂઠી મૈં મક્કાર ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મે બોક્સઓફિસ પર રૂ. 150 કરોડનું કલેક્શન મેળવ્યું હતું. આવનારા સમયમાં રણબીરની બિગ બજેટ ફિલ્મ એનિમલ આવી રહી છે, તેમાં અનિલ કપૂર, રશ્મિકા મંદાના અને બોબી દેઓલ પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે.