કોરોનાની મહામારીના આ સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ જ મનોરંજન પીરસવા માટેનું ફેવરિટ મીડિયમ હોવાનું જણાય છે. મોટા અભિનેતાઓ તેમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. અજય દેવગણ પછી રણબીર કપૂરના ડિજિટલ ડેબ્યૂની ખૂબ ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં રણબીર નેટફ્લિક્સના એક વીડિયોમાં જોવા મળ્યો હતો. હકીકતમાં નેટફ્લિક્સે થોડા સમય પહેલા પોતાના અધિકૃત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.
જેમાં રણબીર કહે છે કે, ‘નેટફ્લિક્સ પર છે એક્શન, કોમેડી, ડ્રામા, રોમાન્સ, કાર્ટૂન એટલે કે ફેમિલીમાં બધા માટે એન્ટરટેઇનમેન્ટ.’ એ પછી રણબીર પોતાનો શોટ ઓકે થવાની રાહ જોતો હતો, પણ તેને ણે થયું કે, તમામ લોકો ક્રિકેટમાં વ્યસ્ત છે. એટલે તે એમ કહેતો જોવા મળે છે કે, ‘પણ અત્યારે તમે બધા બિઝી હોય તો મળીશું ક્રિકેટ પછી.’ એના પછી સ્ક્રીન પર વંચાય છે કે, ‘સી યૂ સુન.’ જેના કારણે જ એવું માનવામાં આવી રહ્યું છે કે તે ટૂંક સમયમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, ‘તમારું ધ્યાન ખેંચવા માટે રણબીર કપૂરનો બીજો પ્રયાસ, પરંતુ જો તમે સાંભળી ના રહ્યા હોય તો, અમે એ સમજીએ છીએ. સી યુ સૂન.’