ભારતની મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબીએ ગુરુવારે યસ બેન્કના ભૂતપૂર્વ એમડી અને સીઇઓ રાણા કપૂરના બેન્ક એકાઉન્ટ. ડીમેટ અને મ્યુચ્યુઅલ એકાઉન્ટ તેમજ સંપત્તિને ટાંચમાં લેવાનો આદેશ આપ્યો હતો. રાણા કપૂર પાસેથી આશરે રૂ.1 કરોડની પેનલ્ટી વસૂલ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સેબીએ સપ્ટેમ્બર 2020માં રાણા કપૂરની બિન લિસ્ટેડ પ્રમોટર કંપની મોર્ગન ક્રેડિટ સાથેના ટ્રાન્ઝેક્શનની માહિતી જાહેર ન કરવા બદલ રાણા કપૂરને દંડ ફટકાર્યો હતો. સેબીએ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પણ રાણા કપૂરને ડિમાન્ડ નોટીસ ફટકારી હતી. ઉલ્લેખનિય છે કે, રાણા કપૂર પર એક કરોડ રૂપિયાના દંડ ઉપરાંત રૂ.4.56 લાખના વ્યાજ સહિત કુલ રૂ. 1.04 કરોડની વસૂલાત કરવાની બાકી છે. સેબી તરફથી જારી કરવામાં આવેલી નોટિસમાં બેન્કો, ડિપોઝિટરીઝ અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, રાણા કપૂરના એકાઉન્ટમાંથી કોઇ પણ રીતે નાણાંના ઉપાડની મંજૂરી આપવી નહીં. જો કે આ એકાઉન્ટોમાં નાણાં જમા કરાવી શકે છે. તે ઉપરાંત બેન્કોને રાણા કપૂરના એકાઉન્ટ , લોકર વગેરેને ટાંચમાં લેવાના આદેશ આપ્યા છે. રાણા કપૂરે યસ બેન્કમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યુ હતું, તેનાથી બેન્ક લગભગ નાદારીના આરે આવી ગઇ હતી. આ પછી સરકારના પ્રયાસોથી બેન્કને બચાવી લેવામાં આવી હતી.