અમેરિકન ફેડરલ કોર્ટે પાકિસ્તાની કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને ભારતને હવાલે કરવાની મંજૂરી આપતાં ભારતને 26/11ના મુંબઈના ત્રાસવાદી હુમલાના ગુનેગારોને સજા અપાવવાના પ્રયાસમાં મોટી સફળતા મળી છે. આ સાથે, ફેબ્રુઆરી 2002થી એક દાયકા કરતાં વધુ સમયગાળામાં વિદેશી સરકારો દ્વારા ભારતમાં પ્રત્યાર્પણ અથવા દેશનિકાલ કરાયેલા ભાગેડુઓની સંખ્યા વધીને 60 થઈ ગઈ છે.
કેલિફોર્નિયાની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના મેજિસ્ટ્રેટ જેક્લીન ચૂલજિયાને તાજેતરમાં 48 પાનાના એક આદેશમાં જણાવ્યું હતું કે 62 વર્ષના રાણાનું ભારત – અમેરિકા વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ હેઠળ પ્રત્યાર્પણ કરવામાં આવે.
આ આદેશ જણાવવામાં આવ્યું છે કે, “કોર્ટે આ વિનંતીના સમર્થન અને વિરોધમાં રજૂ થયેલા તમામ ડોક્યુમેન્ટ્સની સમીક્ષા કરી છે અને તમામ દલીલો પર વિચાર કર્યો છે. આવી સમીક્ષા અને વિચારણાના આધારે કોર્ટ એવા નિષ્કર્ષ પર પહોંચી છે કે રાણાનને ભારતના હવાલે કરવામાં આવે. કોર્ટે અમેરિકાના વિદેશ પ્રધાનને પ્રત્યાર્પણ બાબતે આગળની કાર્યવાહી માટે અધિકૃત કર્યા હતા.’’
વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, ફેબ્રુઆરી 2002થી ડીસેમ્બર 2015 વચ્ચે, વિદેશી સરકારોએ અત્યાર સુધીમાં 60 ભાગેડુઓને ભારતને હવાલે અથવા દેશનિકાલ કર્યા છે. આમાંથી 11 ભાગેડુઓનું અમેરિકાથી, 17નું સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) થી, ચારનું કેનેડાથી અને ચારનું થાઈલેન્ડથી પ્રત્યાર્પણ કરાયું છે.
1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિત માફિયા અબુ સાલેમ આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો, તેનું નવેમ્બર 2005માં પોર્ટુગલથી પ્રત્યાર્પણ કરાયું હતું. આ જ કેસમાં સામેલ ઈકબાલ શેખ કાસકર, ઇઝાઝ પઠાણ અને મુસ્તફા અહેમદ ઉમર ડોસાનું 2003ની શરૂઆતમાં યુએઈથી પ્રત્યાર્પણ કરાયું હતું.
આ અપરાધીઓને ત્રાસવાદ, આયોજિત ગુનાખોરી, ગુનાઇત ષડયંત્ર અને છેતરપિંડી, બાળકોનું જાતીય શોષણ, નાણાકીય છેતરપિંડી, હત્યા તેમજ દેશ સામે યુદ્ધ છેડવા જેવા ગુનાઓમાં કાર્યવાહી માટે ભારતને હવાલે કરાયા હતા.
ભારત અને અમેરિકા વચ્ચે 25 જૂન 1997ના રોજ અમેરિકાના તત્કાલીન પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન અને ભારતના તત્કાલીન વડાપ્રધાન આઈ. કે. ગુજરાલની ઉપસ્થિતિમાં પ્રત્યાર્પણ સંધિ થઇ હતી.