પત્રકારત્વના નવા આયામોની ખોજ કરવા પ્રતિબદ્ધ, યુકેમાં અને લંડનમાં અસ્સલ ગુજરાતી સાહસિકની અદાથી કામ કરવા કૃતનિશ્ચયી, ‘ગરવી ગુજરાત’ના યુવાન તંત્રી રમણિકલાલ સોલંકી એ દિવસે તો થોડા ડરેલા, લાગણીશીલ જેવી માનસિક સ્થિતિમાં લાગતા હતા. તેઓ લંડનના એક પરાવિસ્તાર, બ્રિક્સટન સ્ટેશને ટ્રેનમાંથી ઉતર્યા હતા. આ વિસ્તાર કાયદો – વ્યવસ્થાની દ્રષ્ટિએ બહુ સલામત નહોતો ગણાતો. તેઓ પોતે પણ ક્ષણિક રીતે તો એવા વિચારે ચડ્યા હતા કે, ત્યાં આવવાનો તેમનો નિર્ણય શાણપણભર્યો હતો ખરો?
ત્યાં જતા પહેલા તેમણે ફોન ઉપર વાત કરી ત્યારે સામે છેડે વાત કરતી વ્યક્તિનો અવાજ ગુસ્સામાં અને આગ્રહભર્યો જણાતો હતો. “ના, શનિવારે કે રવિવારે બપોરે આવવું બરાબર નથી. તમારે સોમવારે સાંજે આવવું જોઈએ અને તે પણ એકલા. તમે ગુજરાતના છો, અમે પણ ગુજરાતના છીએ. અમે સુરતના છીએ. અમે આપને ઘટનાનું અમારી તરફેનું વર્ણન આપીશું. તમે અત્યારસુધી જે કઈં છાપ્યું છે તે બધું બકવાશ છે, બધું જ જુઠ્ઠાણું છે. એ બધું તો ઘટના વિષેની પોલીસની તરફની વાત છે.”
સોલંકીના મન ઉપર એક અજાણ્યો ભય છવાઈ ગયો હતો. તેઓ પોતાને ક્યારેય બહુ સાહસિક માનતા નહીં. તેમણે એક પ્રકારના અંધકારના માહોલમાં ચાર અજાણ્યા મુસ્લિમ પુરૂષોને મળવાનું હતું. એક પાતળા, તબિયતે નબળા લાગે તેવા યુવાનો પોતાની ઓળખ અલીભાઈ ઈસ્માઈલ હઝારી તરીકે આપી હતી.
તેની પત્ની, રૂકૈયા બીબીનો મૃતદેહ થેસ્મ નદીમાંથી મળી આવ્યો હતો. એ 22 વર્ષની વયની એક અત્યંત સુંદર મહિલા હતી. તેનું ગળુ દબાવી હત્યા કરાઈ હતી.
અલીભાઈની સાથે તેમના મોટા ભાઈ, એહમદ ઈસ્માઈલ હઝારી હતા. એ બધા સાથે ચાલીને 60, મોરડન્ટ સ્ટ્રીટ ખાતે હઝારી પરિવારના ઘેર પહોંચ્યા હતા. ત્યાં તેમના સગા સંબંધી, લગભગ 50 જેટલા મહિલાઓ અને પુરૂષો એકત્ર થયેલા હતા. તેઓએ રમણીકભાઈને બિરિયાની તથા ચા ઓફર કરી, પણ તેમણે એ લેવાનો ઈનકાર કર્યો હતો. હઝારી પરિવારના સભ્યોએ ઈન્ટરવ્યૂ આપવાનો વાયદો કર્યો હતો, પણ એકેય ભાઈ કઈં બોલવા તૈયાર જ નહોતા. એહમદે એવું કહ્યું હતું કે, “યુ સી, રૂકૈયા બીબી કોઈ સગાને મળવા ગલીના નાકે ગઈ હતી ત્યારે રસ્તામાંથી જ કોઈએ તેને કિડનેપ કરી લીધી હતી.”
એ તબક્કે અચાનક એક મહિલા પણ સંવાદમાં વચ્ચે ટપકી પડી હતીઃ રૂકૈયા બીબીની હત્યા કરનારા બે પુરૂષો ઈન્ડિયા ભાગી ગયા છે.
સોલંકીને એ વાતે રાહત લાગી કે પોતે અગાઉથી આવી કોઈ વિકટ સ્થિતિ માટે અગમચેતી વાપરી નાના ભાઈને કહ્યું હતું કે, તેણે દર 15 મિનિટે તેને ફોન કરતા રહેવું અને એ રીતે પોતે સલામત હોવાની ખાતરી કરતાં રહેવું. એવું પણ મનાય છે કે પોલીસ તે ઘર ઉપર ખૂબજ ગુપ્ત રીતે નજર રાખી રહી હતી.
અને તો પણ, સોલંકીને એવો અહેસાસ થયો કે તેના સમગ્ર શરીરમાંથી ભયનું લખલખુ પસાર થઈ ગયું હોય. પોતે ત્યાંથી નિકળી ગયા છતાં એ માહોલ અને સમગ્ર ઘટનાક્રમ તેમના મન ઉપર છવાયેલો રહ્યો હતો. એ 1971ના જુલાઈ મહિનાની વાત હતી.
***
એના 32 વર્ષ પછી, 16 સપ્ટેમ્બર, 2003ના દિવસે રમણિકલાલ સોલંકીએ પોતાના ‘ગરવી ગુજરાત’ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર્સના ઉપક્રમે આયોજિત એક એવોર્ડ્ઝ સમારંભ અને ડીનરનું આયોજન કર્યું હતું. આ સમયે તો તેઓ બ્રિટનમાં સ્થાયી થયેલા 300,000 લાખ જેટલા ગુજરાતી સમુદાયના એક વરિષ્ઠ અને સન્માનનિય સભ્ય બની ચૂક્યા હતા. સમારંભના મંચ ઉપર તેમના બે યુવાન પુત્રો – 42 વર્ષના કલ્પેશ સોલંકી અને 39 વર્ષના શૈલેષ સોલંકી પણ તેમની સાથે હતા. ગ્રોવેનર હાઉસ હોટેલનો ગ્રેઈટ રૂમ લગભગ એક હજાર જેટલા – બ્રિટનના અગ્રણી એશિયન્સ તેમજ કેટલાક ખાસ આમંત્રિત એવા બ્રિટનના રાજકારણ તેમજ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણી અંગેજોથી ખચોખચ ભરેલો હતો.
સ્કોટલેન્ડ યાર્ડ પોલીસના ડેપ્યુટી કમિશનર, સર ઈયાન બ્લેર કોઈ એક પ્રેઝન્ટેશન માટે સ્ટેજ ઉપર આવ્યા હતા અને અચાનક તથા આશ્ચચર્યજનક રીતે, મૂળ કાર્યક્રમના વિષયને ચાતરી જઈ ત્રણ દાયકા કરતાં પણ વધુ સમય પહેલા કેવી રીતે એક ભારતીય રીપોર્ટરે પોલીસને એક હત્યા કેસ ઉકેલવામાં મદદ કરી હતી તે વાતના સંસ્મરણો ઉપસ્થિત સમુદાય સમક્ષ રજૂ કર્યા હતા.
સર ઈયાને તેમને એક પ્રશંસાપત્ર એનાયત કર્યું ત્યારે રમણિકલાલ સોલંકી તો સાવ અવાક જ થઈ ગયા હતા. પ્રશંસાપત્રમાં લખ્યું હતું કે, “રૂકૈયા હઝારીના 1971માં થયેલા મૃત્યુના કેસમાં તપાસમાં તેમણે કરેલી અમૂલ્ય સહાય બદલ રમણિકલાલ સોલંકીને તે એનાયત કરાયું છે. તેમની સહાયના પગલે જ બે અપરાધીઓને સજા થઈ શકી હતી.”
***
22મી જુન, 1971નો એ દિવસ હતો. ડીટેક્ટીવ ઈન્સ્પેક્ટર જ્હોન સ્વૈન પોતાના ઘેર આરામથી સવારનો નાસ્તો માણી રહ્યા હતા ત્યારે અચાનક ફોનની ઘંટડીએ તેમની એ નિરાંતની પળોમાં વિક્ષેપ કર્યો હતો. સાઉથવાર્ક પોલીસ સ્ટેશનના ડ્યુટી ઓફિસરે સીધી મુદ્દાસરની વાત કરતાં કહ્યું હતું કે, “મને વિચાર આવ્યો કે મારે આપને જાણ કરવી પડે, ગવર્નર. થેમ્સ નદીના કિનારે, રોથેરિથ પાસે એક મૃતદેહ મળી આવ્યો છે.”
સ્વૈને રોથેરિથ પોલીસ સ્ટેશન અને પછી પછી લંડન હોસ્પિટલ પહોંચી મૃતદેહ વિષે તપાસ કરી. પ્રોફેસર “ટેફી” કેમેરોન, હોમ ઓફિસના પીઢ પેથોલોજિસ્ટ પોસ્ટમોટર્મ કરી રહ્યા હતા. તેમના કહેવા મુજબ મૃતદેહ બહાર કઢાયો તે પહેલા 10 કલાક પાણીમાં રહ્યો હતો, પણ એ મહિલાનું મોત તો 48 કલાક પહેલા જ થયું હતું.
“તે એક યુવાન સ્ત્રીનો મૃતદેહ છે, જે ઉંમરની વીસીમાં (ટ્વેન્ટીઝ) હશે અને કદાચ ભારતીય મહિલા છે,” કેમેરોને ખૂબજ ટુંકમાં સ્વૈનને વિગતો આપી. તેનું મોત ગુંગળામણથી, ખાસ કરીને ગળુ દબાવાયાથી થયું છે, ડૂબી જવાથી નહીં.
સ્વૈનને તે મૃતદેહની ઓળખ વિષે પણ કોઈ સ્પષ્ટ સંકેત મળ્યા નહોતા. આખરે તેણે ગૂમ થયેલા, લાપતા લોકોની ફરિયાદો ઉપર નજર કરી ત્યારે તેને અંદાજ આવ્યો કે તે 22 વર્ષની રૂકૈયા બીબી હઝારી હોઈ શકે છે. રૂકૈયાના પતિ, અલીભાઈ ઈસ્માઈલ હઝારીએ 60, મોરડન્ટ રોડ, બ્રિક્સટન ખાતેથી તે લાપતા હોવાનું પોલીસમાં નોંધાવ્યું હતું.
સ્વૈને અલીભાઈને તથા તેના મોટા ભાઈ એહમદ પાસેથી મહિલાનો મૃતદેહ તેની પત્નીનો જ છે કે કેમ તેની ઓળખ કરાવી. સ્વૈને પોતાની નોંધમાં લખ્યું હતુ કે, “પતિએ ખૂબજ સ્વસ્થ રીતે મૃતદેહ તેની પત્નીનો જ હોવાની ઓળખ તો આપી દીધી હતી, પણ મને એ વાતનો ખેદ હતો કે, પોતાની પત્નીને મૃત હાલતમાં જોયા છતાં તેણે કોઈ પ્રકારની લાગણીઓ દર્શાવી નહોતી તે હકિકત મારા માટે કઈંક અકળાવનારી હતી.
સ્વૈને રૂકૈયાના સગા સંબંધીઓની પૂછપરછ કરી ત્યારે તેની સમક્ષ મૃત રૂકૈયાના એક આશ્ચર્યજનક વ્યક્તિત્ત્વનું ચિત્ર ઉપસી આવ્યું હતું. મળેલી વિગતો અનુસાર રૂકૈયાના અનેક પુરૂષ મિત્રો હતો અને પરિવારને જાણ કર્યા વિના જ તે પોતાના એ પુરૂષ મિત્રોને મળતી હતી. તેને વેસ્ટર્ન સ્ટાઈલના વસ્ત્રોનો ભારે શોખ હતો, કહો કે ઘેલછા હતી અને તે એક અસાધારણ એવી ફોર્ડ કોર્ટિના કારમાં પણ અવરજવર કરતી હોવાની વિગતો પોલીસને તપાસમાં મળી હતી. એ વર્ણનો મુજબ તે કાર ગ્રીન કલરની અને તેની બન્ને બાજુએ ક્રિમ કલરના પટ્ટા હતા. જો કે, રસપ્રદ વાત એ હતી કે સ્વૈનને તેની તપાસમાં આ વર્ણન મુજબની એક પણ કાર ક્યાંય મળી નહોતી.
કોઈક મહત્ત્વની કડીઓ માટે ભારે મથામણ કરી રહેલા સ્વૈને આખરે બીજી જુલાઈ, 1971ના દિવસે સ્કોટલેન્ડ યાર્ડની ઓફિસે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી.
સ્વૈને પોતાની ડાયરીમાં એની નોંધ કરી હતી, તે મુજબ એ કોન્ફરન્સમાં સંખ્યાબંધ ભારતીય પત્રકારોએ હાજરી આપી હતી. એક પત્રકાર, રમણિકલાલ સોલંકીએ આ હત્યા કેસને ગુજરાતી અખબારોમાં ખૂબ ચમકાવ્યો હતો. તેઓએ મારી સાથે, મારી ઓફિસ સાથે પણ સતત સંપર્ક જાળવ્યો હતો અને આખરે, વિશેષ કરીને તો તેમના ઉત્સાહના પગલે જ આ હત્યા કેસનો ઉકેલ આવ્યો હતો.
***
29મી સપ્ટેમ્બર, 2003નો દિવસ હતો અને સોલંકી તેમની ઓફિસમાં, બે પુત્રો સાથે બેઠા હતા.
રમણિકલાલ સોલંકીના શબ્દોમાં એ વાર્તાલાપ કઈંક આ મુજબનો હતો, “એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને પોલીસે એવું કહ્યું હતું કે, એક એશિયન દેખાતી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. અમે તે સમાચાર નામો સાથે છાપ્યા હતા અને તેની હેડલાઈન એવી હતી કે, ‘આ મૃતદેહ કોનો છે?’ મેં છાપેલા અહેવાલનું કટીંગ કોઈકે લંડનથી તે યુવતીના પિતાને ઈન્ડિયામાં ગુજરાત ખાતે મોકલી આપ્યું હતું. તેમણે સામો પોતાના જમાઈને પત્ર લખી સવાલ કર્યો હતો કે, ‘તમે તો એવું કહો છો કે, મારી દિકરી કોઈકની સાથે ભાગી ગઈ છે, જ્યારે આ અખબાર કહે છે કે તેનું મોત નિપજયું છે, હત્યા થઈ છે. આમાં સાચું કોણ? તમે કે અખબાર?’
કોઈક કારણોસર એ પત્ર પોલીસને હાથ લાગ્યો હતો, કદાચ એટલા માટે કે પોલીસ હઝારી પરિવારને ત્યાં આપતી ટપાલો ઉપર નજર રાખી રહી હતી.
આ રીતે, એક દિવસે સવારે બે પોલીસ ઈન્સ્પેક્ટર મારી ઓફિસે આવી પહોંચ્યા. તેઓ એ જાણવા માંગતા હતા કે, પત્રમાં ઉલ્લેખ કરાયો હતો તે કટીંગ ક્યા અખબારનું હતું.
એના પગલે, સ્વૈનનો એક્સક્લીઝવ ઈન્ટરવ્યૂ લેવાની રમણિકલાલ સોલંકીને તક મળી. તેમાં સ્વૈને આપેલા એ સંકેતનો પણ સમાવેશ થતો હતો કે, રૂકૈયાના પતિ અને તેના ભાઈએ આપેલી વિગતોથી પોલીસને સ્હેજે સંતોષ નહોતો થયો. તો રમણિકલાલે છાપેલા અહેવાલથી એહમદ હઝારી ખૂબજ ગુસ્સે ભરાયેલો હતો.
તેણે ખૂબજ આકરા શબ્દોમાં, બેફામ બની કહ્યું હતું કે, “તમે જુઠ્ઠા છો, તમે ફક્ત પોલીસે આપેલી વિગતો, વાતો જ પ્રસિદ્ધ કરી છે. અમારે જે કહેવાનું છે તે પણ છાપોને. તમે સોમવારે રાત્રે 8.00 કલાકે આવો, અને એકલા આવજો.”
સોલંકી એ રાત્રે બ્રિક્સટન તરફ રવાના તો થયા, પણ તેઓ વિચારતા હતા કે, ક્યાંક તેઓ સત્યની બહુ જોખમી કહી શકાય એટલા નજીક તો નથી જઈ રહ્યા ને. ઘરમાં ગયા પછી, તેમણે અલીના પરિવારે ઓફર કરેલી વાનગી કે પીણુ લીધા નહોતા.
***
એ 24 ઓગસ્ટ, 1971નો દિવસ હતો. હઝારી ભાઈઓ વિષેની જ્હોન સ્વૈનની તપાસમાંથી ઉપસી આવેલું ચિત્ર ગૂંચવણભર્યું હતું. સ્વૈનને એવું લાગતું હતું કે, એ બન્ને ભાઈઓએ ખોટી માહિતી આપી પોલીસને ગેરમાર્ગે દોરવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા. સ્વૈને ડાયરીમાં એવું લખ્યું હતું કે, “મેં એહમદ હઝારી તથા અલીભાઈને અલગ અલગ રીતે અટકમાં લેવાની અને પૂછપરછ માટે ગોઠવણ કરી. બન્નેમાંથી એકેયને ખબર નહોતી કે બન્નેને અટકમાં લેવાયા હતા.
***
જ્હોન સ્વૈનની ડાયરીની નોંધ રસપ્રદ રહીઃ “કોર્ટ અને જ્યુરી સમક્ષ એક ઈન્ડિયન યુવતીની સૌથી વધુ અસાધારણ કથાનક રજૂ થઈ હતી. તેનો જન્મ બર્મા (આજના મ્યાનમાર) માં થયો હતો, તે લગ્ન કરી ઈંગ્લેન્ડ આવી હતી અને એક દિકરીની માતા પણ બની હતી.”
“રૂકૈયાને વેસ્ટર્ન લાઈફ સ્ટાઈલનો ચસ્કો લાગ્યો હતો અને ક્યારેક ક્યારેક તો તે વેસ્ટર્ન સ્ટાઈલના કપડા પણ પહેરતી હોવાનું લોકોએ જણાવ્યું હતું. અંગ્રેજોના ધોરણે કહીએ તો રૂકૈયાના વ્યવહારમાં કોઈ ગેરવર્તનના પુરાવા નહોતા પણ, પરિવારના વડા એહમદના શબ્દોમાં કહીએ તો રૂકૈયાએ તેની પ્રવૃત્તિઓના કારણે પરિવાર માટે શરમજનક સ્થિતિ સર્જી હતી. આથી જ, તેને સુધરી જવા તાકિદ પણ કરાઈ હતી. રૂકૈયાએ જો કે, ટુંકો ને સાદો જ જવાબ આપ્યો હતો. તેણે એહમદને એવું કહ્યું હતું કે તેઓ પોતાનું કામ કરે. અને આખરે તેના આ જવાબે જ તેના માટે મોત નોતર્યું હતું. કોર્ટે બે ભાઈઓને તેની હત્યા બદલ આજીવન કેદની સજા ફરમાવી હતી.”
***
યોગાનુયોગ, ખાનગીમાં તો રૂકૈયાની હત્યાના પોલીસે સ્વીકારી લીધેલા કારણ સાથે રમણિકલાલ સંમત નહોતા. તેમની દલીલ એવી છે કે, ઓનરના ખોટા ખ્યાલ સાથે પણ તે ઘટનાને કોઈ સંબંધ નથી.
તેઓ તો એવું કહેતા હતા કે, “રૂકૈયાના જેઠે (કે પછી દિયરે) તેના ઉપર રેપની કોશિષ કરી હતી, પણ રૂકૈયાએ પ્રતિકાર કરતાં તેની હત્યા કરાઈ હતી.”