ભારતમાં બુધવાર, 17 એપ્રિલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઠેર ઠેર શોભાયાત્રા કાઢી રામનવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. આ વખતની અયોધ્યામાં નવનિર્મિત રામજન્મભૂમિ મંદિરમાં રામનવમીની પ્રથમ વખત ઉજવણી થઈ હતી. રામ મંદિરમાં બિરાજમાન રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. શ્રી રામનો જન્મોત્સવ હોવાથી દેશભરમાંથી ભક્તોની ભીડ અયોધ્યા રામલલાના દર્શન કરવા ઉમટી પડી હતી.
રામ નવમીના દિવસે અયોધ્યાના મંદિરમાં રામલલાના અભિષેક બાદ તેમને પ્રથમ સૂર્ય તિલક કરાયું હતું. બપોરે 12.01 વાગ્યે, વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત ટેકનિકનો ઉપયોગ કરીને રામલલાના કપાળ પર સૂર્ય તિલક કરાયું હતું. સૂર્યનું પ્રથમ કિરણ રામલલાના મસ્તક પર પહોંચતા જ મંદિરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ભગવાન રામની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવી હતી અને ભજનો ગાવામાં આવ્યા હતા.આ શુભ અવસર પર રામ મંદિરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. રામલલાનો ખાસ પોશાક તૈયાર કરાયો હતો. ભક્તોને સુગમતાથી દર્શન થઈ શકે તેના માટે ચાર દિવસ વીઆઈપી દર્શન પાસ, મંગલા આરતી પાસ, શૃંગાર આરતી પાસ તેમજ શયન આરતી પાસની પદ્ધતિ બંધ રખાઈ હતી,
દર વર્ષે રામ નવમીએ અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન રામ લલ્લાના કપાળ પર સૂર્યના કિરણ પાડવા માટે સૂર્ય તિલક નામની એક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર સિસ્ટમમાં લેન્સ અને અરીસાઓના જટિલ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે. ચૈત્ર મહિનાની નોમ ભગવાન રામનો જન્મદિન છે. સૂર્ય તિલક સિસ્ટમ CSIR-સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI)ના વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઇન કરાઇ છે. તે બપોરે 12 વાગ્યાથી લગભગ છ મિનિટ સુધી રામ લલ્લાની મૂર્તિના કપાળ પર સૂર્યના કિરણને વાળશે.
ભારતના જાણીતા અવકાશ વૈજ્ઞાનિકોની સલાહ પર મૂર્તિની લંબાઈ અને તેના સ્થાપનની ઊંચાઈ એવી રીતે રાખવામાં આવી છે કે દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો ભગવાન શ્રી રામના કપાળ પર પડે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી રામ સૂર્યવંશી હતા. તેથી સૂર્ય તિલકની પરંપરા છે.