વડોદરા શહેરના ફતેહપુરા વિસ્તારમાં ગુરુવારે રામ નવમીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો અને કેટલાંક વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. આ કોમી છમકલામાં કોઇ ઘાયલ થયું ન હતું. પોલીસ પ્રોટેક્શન હેઠળ શોભાયાત્રા તેના આયોજિત રૂટ પર પસાર થઇ હતી, એમ ડેપ્યુટી પોલીસ કમિશનર યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું. અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને શાંતિ જાળવવા વધારાના ફોર્સ તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો.
ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બજરંગ દળના સ્થાનિક નેતાએ આક્ષેપ કર્યો હતો કે ભૂતકાળમાં આવી ઘટના બની હતી તે જાણવા છતાં, દર વર્ષે આ જ માર્ગ પર નીકળતા શોભાયાત્રા પર હુમલો થયો ત્યારે પોલીસ ક્યાંય દેખાતી ન હતી.
પોલીસ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે “સ્થિતિ નિયંત્રણમાં છે. શોભાયાત્રા એક મસ્જિદ પાસે પહોંચી ત્યારે આ ઘટના બની હતી. લોકો સ્થળ પર ભેગા થવા લાગ્યા. આ કોઈ કોમી રમખાણ નથી. અમે ભીડને વિખેરી નાખી અને શોભાયાત્રા પણ તેના રૂટ પર આગળ વધી હતી.
વડોદરા બજરંગ દળના પ્રમુખ કેતન ત્રિવેદીએ દાવો કર્યો હતો કે પથ્થરમારો એક ષડયંત્રનો ભાગ હતો. શોભાયાત્રાને લગભગ દર વર્ષે નિશાન બનાવવામાં આવે છે. તે જાણવા છતાં, આ વિસ્તારમાં કોઈ પોલીસ તૈનાત ન હતી.