ભારતમાં વર્ષોની કાયદાકીય લડાઈ પછી અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એવામાં મંદિરનું નિર્માણ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર રામના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાનો આક્ષેપ થયો છે. આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભાના સાંસદ અને પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહ તથા સમાજવાદી પાર્ટીના અયોધ્યાના ભૂતપૂર્વ ધારાસભ્ય પવનપાંડેએ અયોધ્યામાં મંદિર નિર્માણ માટે રૂ. 2 કરોડની જમીન રામજન્મભૂમિ ટ્રસ્ટે રૂ. 18.5 કરોડમાં ખરીદીને 16 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ આ કેસમાં CBI તેમજ EDની તપાસની માગણી કરી છે.
આપ નેતા સંજય સિંહ અને સમાજવાદી પક્ષના અયોધ્યાના ભૂતપૂર્વ ધારાસભ્ય તેજ નારાયણ પાંડે ઉર્ફે પવન પાંડેએ રવિવારે અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ કરીને ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સંસ્થાના સભ્ય અનિલ મિશ્રાની મદદથી રૂ. 2 કરોડની જમીન રૂ. 18.5 કરોડમાં ખરીદી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે આ સીધે સીધો મની લોન્ડરિંગનો કેસ છે અને સરકારે તેની CBI તથા ED પાસે તપાસ કરાવવી જોઈએ. આ કૌભાંડના રૂપિયા કોની કોની પાસે ગયા તેની તપાસ થવી જોઈએ.