લોર્ડ રેમી રેન્જર CBE દ્વારા મેઇડનહેડ કન્ઝર્વેટિવ એસોસિએશનના સમર્થનમાં પ્રતિષ્ઠિત કાર્લટન ક્લબ ખાતે તા. 11મી જાન્યુઆરીના રોજ એક વિશેષ ડીનરનું આયોજન કરાયું હતું. જેમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભૂતપૂર્વ વડા પ્રધાન થેરેસા મે, એમપી, મેડનહેડના સાંસદ અને વિશેષ અતિથિ તરીકે ભારતના હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઈસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય મહેમાનોમાં શ્રીલંકાના હાઈ કમિશનર સરોજા સિરિસેના, બીકન્સફિલ્ડના સાંસદ જોય મોરિસી, લેડી રેણુ રેન્જર, બ્રિટિશ ઈટાલિયન કન્ઝર્વેટિવ્સના અધ્યક્ષ મૌરિઝિયો બ્રાગની, NHSના કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સના અધ્યક્ષ ડૉ. અશરફ ચોહાન, કન્ઝર્વેટીવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના કો-ચેર રીના રેન્જર OBE અને તેના ડાયરેક્ટર જનરલ નયાઝ કાઝી, રીજન્ટ કોલેજના ડૉ. સેલવા પંકજ તેમજ મેડનહેડ અને બીકન્સફિલ્ડના સ્થાનિક કાઉન્સિલરો સહિત ક્લાર ગુરપ્રીત ભાંગરા અને બિઝનેસ અને સમુદાયના અગ્રણી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લોર્ડ રેન્જરે ભૂતપૂર્વ વડા પ્રધાન થેરેસા પ્રત્યે કૃતજ્ઞતાનુ ઋણ હોવાનું જણાવતા કહ્યું હતું કે ‘’શ્રીમતી મે જ મને લાઇફ પીઅર બનાવ્યો હતો અને તેમના ઉત્કૃષ્ટ યોગદાન, સમર્પણ અને પ્રતિબદ્ધતા માટે હું તેમને અભિનંદન આપુ છું. લોર્ડ રેન્જરે યુકેની સરાહના કરી વડા પ્રધાન તરીકે ઋષિ સુનકની વરણીને બ્રિટન અને કન્ઝર્વેટિવ પાર્ટીની વિવિધતા અને યોગ્યતાનું ઉદાહરણ ગણાવ્યું હતું. લોર્ડ રેન્જરે પોતાના આગમન, સફળતા, સ્વર્ગસ્થ મેજેસ્ટી ધ ક્વીન દ્વારા બિઝનેસ માટે છ વખત અને સમુદાય સેવા માટે બે વખત પોતાના સન્માનિત કરાયા હોવાનું પણ જણાવ્યું હતું. તો પોતાની સન માર્ક લિમિટેડે યુકેમાં સતત પાંચ ક્વીન્સ એવોર્ડ જીત્યા હોવાનું કહ્યું હતું.
ગેસ્ટ ઓફ ઓનર થેરેસા મેએ લોર્ડ રેન્જરનો ડિનર અને કન્ઝર્વેટિવ પાર્ટીના યોગદાન બદલ આભાર માન્યો હતો અને વડા પ્રધાન સુનકની કામગીરી અને સફળતાની સરાહના કરી હતી.
વિશેષ અતિથિ ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ આતિથ્ય માટે લોર્ડ રેન્જરનો આભાર માની મુક્ત વેપાર કરાર પછી બંને દેશો કેવી રીતે સહકાર અને સહયોગ કરી શકે છે તેની વાત કરી હતી.