Ram Bapa's grand funeral was concluded with a tune named Ram

થેમ્સના સંતનું બિરૂદ મેળવનાર પ. પૂ. રામ બાપાની અંત્યેષ્ઠી ધામધૂમપૂર્વક રામ નામની ધૂન સાથે સાથે તા. 4 ફેબ્રુઆરીને શુક્રવારે સવારે નોર્થ વેસ્ટ લંડનના ગોલ્ડર્સ ગ્રીન ક્રિમેટોરિયમ ખાતે સંપન્ન થઇ હતી. પૂ. રામ બાપાને અગ્નિદાહ દેતા પહેલા હનુમાન ચાલિસાના પાઠ કરાયા હતા.

તા. 30 જાન્યુઆરી 2023ના રોજ મંગળવારે 102 વર્ષની વયે સ્વર્ગવાસી થયેલા પૂ. રામ બાપાને ભાવભીની વિદાય આપવા ભવ્ય સ્મશાનયાત્રાનું આયોજન કરાયું હતું. પૂ. રામ બાપાના નશ્વર દેહને તેમના નિવાસેથી બે ધોડાની સફેદ બગીમાં શ્વેત કોફીનમાં મૂકીને ગોલ્ડર્સ ગ્રીન ક્રિમેટોરિયમમાં લઇ જવાયો હતો. પૂ. બાપાને ભાવભીની વિદાય આપતા તેમના ભક્તોએ ઢોલ અને મંજીરાના સુમધુર તાલ સાથે આખા માર્ગ પર બગીની આગળ ચાલીના નાચતા નાચતા ‘હરે રામા, હરે ક્રિષ્ના, હરે ક્રિષ્ના, હરે હરે…; ‘જય રાધે… રાધે… તથા શ્રી રામ જય રામ, જય જય રામ’ની ધૂન બોલાવી હતી.

ક્રિમેટોરિયમ આવતા પૂ. બાપાના નશ્વર દેહ ધરાવતા કોફીનને તેમના સ્વજનો અને ભક્તોએ પારંપરિક રીતે ખભા પર મૂકીને ક્રિમેટોરીયમમાં લાવ્યા હતા. જ્યાં તેમને અખરી વિદાય આપતી વખતે પૂ. રામ બાપામા દોહિત્ર આનંદ કંટારિયા તથા અન્ય પૌત્ર પોત્રીઓએ તથા ઉપસ્થિત સૌ કોઇએ રામબાપાને અતિ પ્રિય એવી હનુમાન ચાલિસાના પાઠ કર્યા હતા.

પૂ. રામબાપાની અંત્યષ્ઠી પૂર્વે જલારામ મંદિર ગ્રીનફર્ડના પ્રધાન પૂજારી શ્રી પલ્કેશભાઇ ત્રિવેદીએ પૂ. રામ બાપાના નિવાસ સ્થાને છ પીંડના દાનની વિધિ કરી હતી અને ક્રેમેટોરિયમમાં જીવ અને આત્મા વિષે તત્વજ્ઞાનનું વાંચન કરી પૂ. બાપાની કિર્તી અંગે માહિતી આપી હતી.

આ પ્રસંગે તેમના જયેષ્ઠ પુત્ર શ્રી અનિલભાઇએ પોતાના પરિવાર વતી પૂ. રામ બાપાની જીવન ઝરમર અને પહેલા યુગાન્ડા અને પછી યુકેમાં પૂ. રામ બાપાએ કરેલા સનાતન ધર્મની સેવાઓ વિષે વિગતે વાત કરી હતી. જેમાં નાના પુત્ર  કિરણભાઇએ પૂરક માહિતી આપી હતી. રામ બાપાના પુત્રી તેમ જ આધ્યાત્મિક વારસ એવા ભારતીબેન કંટારીયાએ ઉપસ્થિત સૌ કોઇનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે પૂ. રામબાપાને સ્વજનોએ તેમને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે લોર્ડ ડોલર પોપટ, કાઉન્સિલર અમિત જોગીયા, ધામેચા કેશ એન્ડ કેરીના પ્રદિપભાઇ ધામેચા, સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટરના રાજરાજેશ્વર ગુરૂજી, લોહોણા અગ્રણીઓ યુકેના વિવિધ ભજન મંડળ, શીખ ધર્મ અને સિંધી મંદિરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પૂ. બાપાની અંત્યાષ્ઠીમાં 500 કરતા વધુ ભ ક્તો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તેમની પ્રાર્થના સભામાં આશરે 2500 કરતા વધુ લોકોએ રૂબરૂ રહીને અને ઝૂમ દ્વારા વિશ્વભરના ભક્તોએ અંજલિ આપી હતી.

પૂ. રામ બાપાને આખરી વિદાય આપતા પૂર્વે તેમના નિવાસે ઉપસ્થિત જીજ્ઞાસુ સત્સંગ મંડળના ભક્તો દ્વારા પૂ. રામ બાપાને સદગુરૂ દેવ તરીકે સ્થાપીને તેમની આરતી ઉતારી અંજલિ આપવામાં આવી હતી. તો પરિવારના પૌત્ર-પૌત્રીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. યુકેના વિવિધ ભજન મંડળોના અગ્રણીઓએ પૂ. રામ બાપાના નશ્વર દેહને શાલ ઓઢાડી અંજલિ આપી હતી.

પૂ. રામબાપાને શ્રધ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભાનું આયોજન સોમવાર તા. 6 ફેબ્રુઆરી 2023ના રોજ સાંજે 7થી ધામેચા લોહાણા સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિખ્યાત કથાકાર પૂ. મોરારી બાપુ, શ્રી ભૂપેન્દ્રભાઇ પંડ્યા, તરલોચન દાસજીએ વિડીયો સંદેશ દ્વારા અને વિવિધ સહિત વિવિધ સંતો અને અગ્રણીઓએ રૂબરૂ પધારી શ્રાધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે પૂ. રામ બાપાના જીવનકવનને રજૂ કરતો વિડીયો રજૂ કરાયો હતો.

(All Photos by Bhupendra Sinh Jethwa)

LEAVE A REPLY