અહર્નીશ સૌની સુખાકારી માટે કાર્યરત અને હંમેશા મુશ્કેલીમાં મુકાયેલા લોકોના સ્વજન બનીને એક સાચા સંત તરીકે સૌના દુખ દર્દ અને તકલીફોનો અંત લાવવા માટે પોતાનાથી બનતા બધા પ્રયત્નો કરનાર પરમ પૂજ્ય રામબાપા – મગનલાલ વલ્લભદાસ ભીમજીયાણીનું તા. 31 જાન્યુઆરીના રોજ બપોરે 12 કલાકે તેમના પરિવારજનોની ઉપસ્થિતીમાં રામ નામના જાપ સાથે 102 વર્ષની વયે બ્રહ્મલીન થયા હતા.
છેલ્લા 50 વર્ષથી પોતાનું જીવન આધ્યાત્મિકતા, સુખાકારી અને પરોપકારી કાર્યો માટે સમર્પિત કરી સમગ્ર યુકે અને વિશ્વમાં ઘણા મંદિરોની સ્થાપના માટે પ્રતિમાઓ અર્પણ કરનાર પૂ. રામ બાપા યુકેની જનતાને પૂજ્ય મોરારી બાપુ સહિતના આધ્યાત્મિક નેતાઓનો પરિચય કરાવનાર પ્રથમ સંત હતા. ગરવી ગુજરાતના એક તંત્રીલેખમાં સ્વ. તંત્રી શ્રી રમણિકલાલ સોલંકી દ્વારા તેમને થેમ્સના સંતનું બિરૂદ અપાયું હતું.
102 વર્ષની ઉંમરે પણ પૂજ્ય રામ બાપા એક અનુકરણીય અને અથાક બળ સ્વરૂપ હતા અને ભક્તોને અધ્યાત્મ, માનવતા, સખાવત તથા ધર્મનો પાઠ આપતા ગયા હતા. પૂ. રામ બાપાએ વાવેલ ધર્મનું બીજ આજે વિશ્વભરમાં વિરાટ કલ્પવૃક્ષ બની ગયું છે અને તે મીઠા ફળો આપી રહ્યું છે.
પૂ. શ્રી રામબાપાનો જન્મ સૌરાષ્ટ્રના જીરા ગામમાં વલ્લભદાસ ભીમજીયાણીને ત્યાં તા. 28મી મે, 1920ના રોજ થયો હતો. 17 વર્ષની કાચી ઉંમરે 1937માં યુગાન્ડા ગયેલા પૂ. રામબાપાને ગુરૂવર્ય પ. પૂ. શ્રી હીરજી બાપાને મળતા ઊંડી આધ્યાત્મિક જાગૃતિ આવી હતી. ગુરૂના આશીર્વાદ, કૃપા તથા માર્ગદર્શન હેઠળ પૂ. રામ બાપાએ 40 વર્ષ સુધી લાગલગાટ ઇસ્ટ આફ્રિકામાં અને પછી યુકેભરમાં સનાતન ધર્મની ધજાઓ લહેરાવી સેવા આપી હતી.
જય સીયારામના સતત નાદ સાથે ભક્તોની સુખાકારી માટે પ્રાર્થના કરતા પૂ. બાપાના જિજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા રામાયણના નિયમિત પાઠ, પ્રવચનો, કથાઓ, 108 હનુમાન ચાલીસાના નિયમિત પાઠ છેલ્લા 30 વર્ષથી થઇ રહ્યા છે જે આખા યુકેમાં લોકપ્રિય હતા.
પૂ. રામ બાપા અને તેમના ટ્રસ્ટો દ્વારા બ્રિટનના વોલસોલ રામ મંદિર, વેમ્બલીના વલ્લભનિધિ સનાતન મંદિર, વોટફર્ડના ભક્તિવેદાંત મેનોર અને વિદેશના સુરીનામ, ગયાના, બાર્બાડોસ, ઘાના, કેન્યા, સ્પેન, પોર્ટુગલ, જર્મની, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સના કુલ 50 કરતાં વધુ મંદિરોમાં દેવી-દેવતાઓની સુંદર મુર્તિઓ અર્પણ કરાઇ હતી.
તાજેતરમાં જ યોજાયેલા ઝાકઝમાળભર્યા એશિયન બિઝનેસ એવોર્ડ સમારોહમાં વિખ્યાત સંત પ. પૂ. રામબાપાને આધ્યાત્મિકતા અને એશિયન સમુદાયમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પર્લ ઓફ યુગાન્ડા – લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. પ. પૂ. રામ બાપા 102 વર્ષની વયને કારણે તે એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહી ન શકતા તેમના જમાઇ શ્રી અનુપ રાડીયાને અપાયો હતો.
પરંતુ તેમણે આ એવોર્ડનો ખૂબ જ નમ્રતાપૂર્વક સ્વીકાર કરી ગરવી ગુજરાત – એશિયન મિડીયાના ગૃપ મેનેજીંગ એડિટર શ્રી કલ્પેશભાઇ સોલંકી અને તેમના નાના ભાઇ અને એક્ઝીક્યુટીવ એડિટર શ્રી શૈલેષભાઇ સોલંકી તથા વાચકોને આશીર્વાદ પાઠવ્યા હતા.
પૂ. રામ બાપા દ્વારા 1992માં ઉજ્જૈનના સિંહસ્થ કુંભમેળાથી લઇને છેલ્લા કુંભ મેળા સહિત સાધુ-સંતો અને ગરીબો માટે ભંડારો ખોલી અન્નદાનની સેવા કરાતી હતી. પૂજ્ય શ્રી રામબાપાના શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે 2020માં લંડન, દુબઇ, અમેરિકા, ભારત, ઑસ્ટ્રેલિયા અને યુકે સહિત દેશ વિદેશમાં વસતા લોકોએ રામધૂન બોલાવી હતી. જેનો વિડીયો જોવા ક્લીક કરો. https://bit.ly/3eCqySG
કોવિડ રોગચાળાના કારણે તેમના ભક્તો છેલ્લા ત્રણેક વર્ષથી પૂ. બાપાના દર્શન વગર અધૂરા હતા. તે વખતે ગરવી ગુજરાત સાથેની મુલાકાતમાં પૂ. રામ બાપાએ જણાવ્યું હતું કે ‘’જેમને દર્શન કરવા છે તેઓ તો અંતરમનથી ઘેર બેઠા આંખો બંધ કરશે તો પણ પ્રભુ અને ગુરૂના દર્શન થઇ જશે.’’ પરંતુ પૂ. રામ બાપા આપણી સૌની વચ્ચે આજે હાજર નથી ત્યારે આપણે સૌએ આંખો બંધ કરીને જ પૂ. બાપાના દર્શન કરવા રહ્યાં.
પૂજ્ય રામબાપા અને જિજ્ઞાસુ સત્સંગ મંડળ, દિવ્ય સેવા ફાઉન્ડેશન (યુકે) અને શુભેચ્છકો દ્વારા ગુજરાતમાં ચક્રવાત હોનારતમાં બેઘર બનેલા જરૂરિયાતમંદ 1,001 પરિવારોને એક મહિનો ચાલે તેટલી આનાજ- કરિયાણાની સામગ્રી આપવામાં આવી હતી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાહત ફંડમાં £11,000 અને ગરીબોને જમાડવા માટે બીજા 5 લાખ રૂપિયાની સખાવત કરાઇ હતી. યુકેમાં ઘણા સમુદાયોને પચાસ વર્ષથી આર્થિક સહાય થઇ રહી છે.