Britain's famous saint P. P.O. Rambapa became a Brahmin
પૂજ્ય રામ બાપા

બ્રિટન અને યુરોપ જ નહિં ભારત બહારના દેશોમાં વસતા લાખ્ખો હિન્દુઓ માટે આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર બની ચૂકેલા આદરણીય સંત પ. પૂ. રામબાપા આગામી તા. 28ના રોજ પોતાની 101મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. હંમેશા મુશ્કેલીમાં મુકાયેલા લોકોના સ્વજન બનીને ‘થેમ્સના સંત’ તરીકેનું બિરૂદ મેળવનાર પૂ. રામબાપાએ અને તેમના જીજ્ઞાસુ સત્સંગ મંડળે તાજેતરના કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ‘જય સીયારામ’ના આશીર્વચન સાથે કોરોનાવાયરસનો ભોગ બનેલા કે આઇસોલેશનનો સામનો કરતા ઘણાં લોકોને મદદ કરી છે.

પૂ. બાપાએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે સામાન્ય રીતે તેમના જન્મ દિને રામ ધૂનમાં હજાર લોકો ભાગ લે છે પણ વાયરસના કારણે આ કાર્યક્રમ કરવો શક્ય નથી ત્યારે સૌ કોઇ પોતાના ઘરે જ ધૂન કરે તે વ્યાજબી છે.’’

પૂજ્યા રામબાપાની બન્ને વેક્સીન થઇ ગઇ છે અને તેમનુ આરોગ્ય ખૂબ જ સરસ છે. પૂ. બાપાએ આ કપરી પળોમાં સૌને ઉદાર હાથે સખાવત કરી લોકોને મદદ કરવા અપીલ કરી હતી. તેમણે સેવા અને સખાવતને જીવન મંત્ર બનાવવા અને હું પદ ત્યાગવા અપીલ કરી હતી. પૂ. રામબાપાના 100મા જન્મ દિવસની ઉજવણીનો વિડીયો જોવા ક્લાક કરો. https://bit.ly/3eCqySG

પૂ. રામબાપાને યુકેભરમાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ જન્મ દિનની શુભકામનાઓ પાઠવી હતી. ગરવી ગુજરાત તરફથી પણ વિવિધ અગ્રણીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સવિશેષ અગ્રણીઓ તરફથી મળેલ શુભકામનાઓ અત્રે પ્રસ્તુત છે.

લોર્ડ ડોલર પોપટે પૂજ્ય રામબાપાને 101મા જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે ‘’પૂ. રામબાપા એક સંત અને વિદ્વાન વ્યક્તિ છે. આધ્યાત્મિકતા માટે પોતાનું જીવન આપી દેનાર પૂ. રામબાપાએ માત્ર યુનાઇટેડ કિંગડમ જ નહીં, પણ વિશ્વભરમાં સનાતન ધર્મનો પ્રચાર કરીને હિન્દુઓ માટે નોંધપાત્ર વારસો બનાવ્યો છે. તેમણે પોતાનું આખું જીવન હનુમાનજીના જીવન વિશે શીખવા માટે સમર્પિત કર્યું છે અને હનુમાનજીના ઉપદેશો અને નમ્રતા, નિ:સ્વાર્થ સેવા, શિસ્ત અને ભગવાનના સંપૂર્ણ ભક્ત હોવાના વૈશ્વિક વકીલ બન્યા છે. રામબાપા આપણા બધા માટે એક અપ્રતિમ ઉદાહરણ છે.’’

લંડનના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસ્ડન તરફથી પૂજ્ય રામબાપાને  101મા જન્મદિવસ પ્રસંગે પ્રાર્થના અને શુભેચ્છા પાઠવતાં જણાવાયું હતું કે ‘’પૂજ્ય રામબાપાએ આપણા સનાતન હિન્દુ ધર્મ – મંદિર, શાસ્ત્ર અને સંતના ત્રણ પાયાના આધારે, ઘણા હિંદુઓને સેવા અને ભક્તિભર્યું  જીવન જીવવાની પ્રેરણા આપી છે. મંદિરો આપણને દિવ્યની નજીક જવામાં મદદ કરે છે અને પૂજ્ય રામ બાપાએ વિશ્વભરમાં ઘણી જગ્યાએ મંદિરોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું છે. તુલસીદાસ દ્વારા રચિત હનુમાન ચાલીસા સહિતના શાસ્ત્રોના તેમના ઉપદેશો અનુકરણીય છે. જે આપણી ભાવિ પેઢીઓને આપણી હિન્દુ સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યોને સમજવા માટે પ્રોત્સાહિત કરશે.  આ વિશેષ પ્રસંગે અમે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ મહંત સ્વામી મહારાજને પૂજ્ય રામબાપાની ઉમદા સેવા ચાલુ રાખવા માટે સારી તંદુરસ્તી આપવા પ્રાર્થના કરીએ છીએ.’’

લંડન એસેમ્બલીના પૂર્વ અધ્યક્ષ નવીનભાઇ શાહે જણાવ્યું હતું કે ‘’રામબાપા પાસે યુનિવર્સલ અપીલ છે અને તેમના 101મા જન્મદિવસે આ સ્પિરીચ્યુઅલ આઇકોનને શ્રદ્ધાંજલિ આપવાનો મારો વિશેષાધિકાર છે. આધ્યાત્મિક પ્રવચનોથી માંડીને માનવતાવાદી કારણો માટે ભંડોળ ઉભું કરવાની પ્રવૃત્તિઓ જેવા ઘણા પ્રસંગોએ પૂજ્ય રામબાપાને મેં જાણ્યા છે અને મળ્યો છું, જે એક સન્માનની વાત છે. તેઓ વૈશ્વિક સમુદાય માટે સાચી પ્રેરણા અને શક્તિનો આધારસ્તંભ છે. રામબાપામાં તમને સરળતા, શાંતિ, આત્મવિશ્વાસ, પ્રેમ દેખાય છે. પૂજ્ય રામબાપાનો હંમેશાં એક જ મંત્ર રહ્યો છે કે જીવનમાં ક્યારેય કોઇને છેતરવું નહિં, ઈર્ષ્યા કે ચાલાકી કરવી નહીં.’’

લંડન એસેમ્બલી મેમ્બર અને કાઉન્સિલર કૃપેશ હિરાણીએ જન્મ દિવસની શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે ‘’પૂજ્ય શ્રી રામબાપા ખરેખર એક નોંધપાત્ર આત્મા છે જેમણે વિશ્વભરના ઘણા લોકોના જીવનને સ્પર્શ કર્યો છે. તેમણે યુકેમાં હિન્દુ ધર્મના સકારાત્મક ઉપદેશોને ફેલાવી લોકોના વ્યક્તિગત સંજોગોને ધ્યાનમાં લીધા વિના આધ્યાત્મિક શિક્ષણની પહોંચમાં વધારો કર્યો છે. તેમણે યુકેની જેલમાં મંદિરો બનાવ્યા છે. શ્રી રામબાપા પાસે અતુલ્ય મૂલ્યો છે જે બધા માટે પ્રેરણારૂપ છે. તેમના પગલાં આપણા બધા માટે જીવનમાં સકારાત્મક અભિગમ મેળવવા અને સમાજનાં સારા મૂલ્યોમાં વિશ્વાસ રાખવા માટેના સ્મૃતિપત્ર તરીકે કામ કરે છે.’’

અગ્રણી કન્ઝર્વેટીવ કાઉન્સિલર અમીત જોગિયાએ 101મા જન્મ દિનની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે ‘’પૂ. રામબાપાનો જન્મદિવસ એ તેમના વારસાની સરાહના કરવાની  અને વિશ્વભરમાં તેમણે કરેલા તમામ પ્રચંડ નિ:સ્વાર્થ સેવા માટે આભાર માનવાની સમયસરની તક છે. તેઓ આપણી વચ્ચે ચાલતા મહાન સંત છે. તાજેતરના લોકડાઉન દરમિયાન પણ, પૂ. રામબાપાએ જરૂરીયાતમંદોને સહાય કરવા માટે અથાક મહેનત કરી છે. તેમની નિ:સ્વાર્થ સેવા અને હનુમાનજીના ઉપદેશોની હિમાયત આ અભૂતપૂર્વ સમય દરમિયાન ખાસ મદદરૂપ થયા છે.‘’

લોહાણા કોમ્યુનીટી નોર્થ લંડનના પ્રમુખ દિનેશભાઇ સોનછત્રાએ પૂ. બાપાને જન્મ દિન પ્રસંગે શુભકામના આપતાં જણાવ્યું હતું કે ‘’પૂ. બાપા જેવા નમ્ર વ્યક્તિને મળવું તે એક લહાવો અને સન્માનની વાત છે. તેમણે જીવનભર સેવા અને સખાવત કરી છે. આ ભવ્ય યુગમાં આત્મિક ઉર્જા, કરુણા અને માનવતા પ્રત્યેનો તેમનો પ્રેમ અવર્ણનીય છે. તેમણે હનુમાન ચાલીસાના જાપનો વૈશ્વિક સ્તરે પ્રચાર કર્યો છે અને 20 વર્ષથી દિકરી ભારતીબેન કંટારીયા સાથે 108 હનુમાન ચાલીસા યજ્ઞ કરીને એલસીએનએલને આશીર્વાદ અને ટેકો આપ્યો છે.’’

જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ (મંદિર) લેસ્ટરના ટ્રસ્ટ બોર્ડના ચેરમેન પ્રમોદભાઇ ઠક્કરે શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે ‘’હું હંમેશાં હિન્દુ ધર્મના રક્ષક તરીકે પૂજ્ય રામબાપાની પ્રશંસા કરું છું. હું યુવાન હતો ત્યારથી સંત હિરજીબાપાની સાથે પૂ. રામ બાપાને હરિ ભક્તિમાં લીન થતાં જોતો. ત્યારે મારા અંકલ સ્વ. મગનભાઇ ઠક્કર અને મારા પિતા સ્વ. શાંતિલાલ રૂગનાથ ઠક્કર પણ પૂ. રામબાપા અને સંત શ્રી હિરજીબાપા સાથે જોડાતા હતા. પૂ. બાપાએ ઇસ્ટ આફ્રિકામાં રામ નામનો પ્રચાર કર્યો હતો અને 1974માં લેસ્ટરમાં હિરજી બાપા સાથે અમારા ઘરે પધરામણી કરી હતી. તેમનો ઉત્સાહ અને નિષ્ઠા બધા માટે મહાન પ્રેરણારૂપ છે.’’

શ્રીજીધામ હવેલી, લેસ્ટરના પ્રવિણભાઇ મજીઠીયાએ 101મા જન્મદિવસની શુભેચ્છાઓ આપતાં જણાવ્યું હતું કે ‘’પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કે પૂજ્ય રામબાપાને ખૂબ ખુશ અને તંદુરસ્ત રાખો. તેમણે સમુદાયને ઘણું બધું આપ્યું છે અને તેઓ હજુ પણ તમામ સંસ્થાઓ, સમુદાયો અને મંદિરોને તેમની સેવા આપવાનું ચાલુ રાખે એવી વિનંતી શ્રીજીધામ હવેલી, લેસ્ટરના મેનેજમેન્ટ તરફથી શુભકામનાઓ.’’

શ્રી વલ્લભ નિધિ યુ.કે.ના અધ્યક્ષ નરેન્દ્રભાઇ ઠકરારે શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે ‘‘એક વ્યક્તિત્વ કે જે હૂંફ, કરુણા, જીવન કરતાં મોટું, દયાળુ, ઉદાર અને ખૂબ આધ્યાત્મિક વલણ ધરાવતું હોય તો તે પૂજ્ય રામ બાપાની યાદ અપાવે છે! શ્રી વલ્લભ નિધિ યુકેની સ્થાપનાથી જ તેમનું શાણપણ અને જ્ઞાન સંગઠનને સાચા આશીર્વાદરૂપે મળ્યા છે. તેમની નિ:સ્વાર્થ સેવા અને હનુમાન દાદાની નિકટતા હંમેશાં માર્ગદર્શિત કરે છે અને સૌને પ્રેરણા આપે છે. અમે તેમને મંદિરના પેટ્રન તરીકે સ્થાપિત કરવાનો લહાવો અનુભવીએ છીએ. હનુમાન દાદાના આશીર્વાદ સાથે, એસવીએનયુકે પૂજ્ય રામ બાપાને વિશેષ 101મા જન્મદિવસે શુભેચ્છા પાઠવે છે.’’

શ્રી જલારામ મંદિર ગ્રીનફર્ડના પૂજારી આચાર્ય શ્રી પલ્કેશભાઈ ત્રિવેદીએ બોર્ડ ઓફ ટ્રસ્ટી અને શાસ્ત્રી શ્રી વિશાલભાઈ પંડયા વતી પૂજ્ય રામબાપાને 101મી જન્મતિથિ નિમિત્તે ખૂબ વધાઈ અને વંદન કરતાં જણાવ્યું હતું કે ‘’પૂજ્ય રામબાપાને ભૂદેવો પ્રત્યે વિશેષ કૃતજ્ઞતાનો ભાવ રહેલો છે. મારી દૃષ્ટિએ બાપાના નામમાં જ “રામ” અને “બાપા” બંને રહેલા છે. જીવનભર રામનું રટણ કરનારા, ગુરુ શ્રી હીરજી બાપાના શિષ્ય પૂજ્ય શ્રી રામાબાપાએ પોતાનું આયખું હનુમાન દાદાની આરાધના કરવામાં અને લોકોની સેવામાં સમર્પિત કરી દીધું છે. તેમના દીકરી ભારતીબેન તથા બિપિનભાઈ કંટારિયા બાપાની વિચારધારા તેમજ પ્રવૃત્તિઓનું નિર્વહન કરે છે તે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે.’’

  • ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટરના પૂ. રાજરાજેશ્વર ગુરૂજી, લેસ્ટરથી હિન્દુ અગ્રણી રમણભાઇ બાર્બર, કાઉન્સિલર અંજનાબેન પટેલે પણ બાપાને જન્મ દિને શુભકાનાઓ આપી હતી.