વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ દરમિયાન. (ANI Photo)

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા પછી મંદિર પ્રાંગણમાં મહેમાનોની વચ્ચે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અભૂતપૂર્વ ધીરજ, અસંખ્ય બલિદાન અને આકરી તપસ્યા પછી આપણા ભગવાન રામનું આગમન થયું છે. હું આ અવસર પર દેશને અભિનંદન આપું છું. રામ લલ્લા હવે તંબુમાં નહીં રહે. આપણા રામલલ્લા હવે દિવ્ય મંદિરમાં રહેશે. પવિત્રતાની આ ક્ષણ ભગવાન રામના આશીર્વાદ છે. 22 જાન્યુઆરી કેલેન્ડરની તારીખ નથી, પરંતુ નવા યુગની શરૂઆત છે. કંઈક એવું ખૂટતું હતું કે મંદિર બનાવવામાં સદીઓ લાગી. હવે આ રામમંદિર ભારતના ઉદયનું સાક્ષી બનશે.

મોદીના 35 મિનિટના ભાષણની શરૂઆત રામ-રામથી થઈ હતી અને જય સિયારામ સાથે સમાપ્ત થયું હતું. આજે આપણને સદીઓનો વારસો મળ્યો હોવાનો ઉલ્લેખ કરીને મોદીએ જણાવ્યું હતું કે  રામ મંદિરના નિર્માણ બાદ દેશવાસીઓમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે આપણને સદીઓનો વારસો મળ્યો છે, શ્રીરામનું મંદિર મળ્યું છે. ગુલામીની માનસિકતા તોડીને ઊભું થયેલું રાષ્ટ્ર નવો ઈતિહાસ રચે છે. આજથી હજાર વર્ષ પછી પણ લોકો આ ક્ષણ અને તારીખ વિશે ચર્ચા કરશે.

ભગવાન રામજીની માફી માંગી અને ન્યાયતંત્રનો આભાર માનીને તેમણે જણાવ્યું હતું કે હું પણ પવિત્ર અયોધ્યાપુરી અને સરયૂને પ્રણામ કરું છું. હું અત્યારે દિવ્યતા અનુભવું છું. તે દૈવી અનુભવો પણ આપણી આસપાસ હાજર છે, હું તેમને પ્રણામ કરું છું. હું ભગવાન રામની પણ માફી માંગુ છું. અમારા ત્યાગ, તપસ્યા અને ઉપાસનામાં કંઈક તો કમી રહી હશે, એટલે આપણે આટલા વર્ષો સુધી આ કામ કરી ન શક્યા. આજે આ ઉણપ પુરી થઈ છે. મને વિશ્વાસ છે કે ભગવાન રામ આપણને ચોક્કસ માફ કરશે. ભારતના બંધારણની પ્રથમ નકલમાં ભગવાન રામ હાજર છે. ભગવાન રામના અસ્તિત્વને લઈને કાનૂની લડાઈ દાયકાઓ સુધી ચાલી. હું ન્યાયતંત્રનો આભારી છું કે તેમણે ન્યાયની લાજ રાખી.

અયોધ્યા આંદોલનના કારસેવકોને યાદ કરીને વડાપ્રધાને જણાવ્યું હતું કે અમે અસંખ્ય કારસેવકો, સંતો અને મહાત્માઓના ઋણી છીએ. આજનો દિવસ માત્ર ઉજવણીની ક્ષણ નથી, પરંતુ તે ભારતીય સમાજની પરિપક્વતાની ક્ષણ પણ છે. આ માત્ર વિજયની જ નહીં પણ વિનમ્રતાની પણ ક્ષણ છે.

રામ કોઇ વિવાદ નહીં, પરંતું સમાધાન હોવાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે કેટલાક લોકો કહેતા હતા કે રામ મંદિર બનશે તો આગ લાગશે. રામમંદિરે આગને નહીં, પરંતુ નવી ઊર્જાને જન્મ આપ્યો છે.આ સમન્વયથી ઉજ્જવળ ભવિષ્યના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા મળી છે. રામ વિવાદ નહીં, સમાધાન છે. રામ ફક્ત આપણા નથી પણ બધાના છે.આ મંદિર માત્ર ભગવાનનું મંદિર નથી, પરંતુ ભારતના દર્શનનું મંદિર છે. રામ એ ભારતની વિચારધારા છે.

LEAVE A REPLY